ગુજરાતી સાહિત્ય
અકાદમીએ પ્રવીણ ગઢવીના સંપાદકપદે દલિત કવિતાનો ૧૮૪ પાનાનો દળદાર ગ્રંથ બહાર
પાડ્યો. સંગ્રહમાં જાણીતા દલિત કવિઓ નીરવ પટેલ, સાહિલ પરમાર, દલપત ચૌહાણ, બબલદાસ
ચાવડા સહિત ઘણા કવિઓની રચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંગ્રહ ખરેખર ઉત્તમ છે,
પરંતુ તેમાં પ્રસ્તાવના પછી અને અનુક્રમની પહેલા ૨૬માં પાને સંપાદક-પ્રકાશકની એક
નોંધ મુકવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે, "કવિતામાં વ્યક્ત થયેલા વિચારો જે તે કવિના છે, તેની સાથે
સંપાદક કે ગુજરાત સાહિત્ય અકાદમીને સંબંધ નથી."
પોર્નોગ્રાફીની ઘણી વેબસાઇટો પર આવા ડિસક્લેમર હોય છે,
તેમાં જણાવવામાં આવે છે કે વેબસાઇટ પર આવતા નગ્ન ફોટાઓ સાથે અમારે સંબંધ નથી. એક
માણસ સંડાસ બનાવે અને એની ઉપર લખે કે અત્રે ઉત્પન્ન થતી ગંધ સાથે મારે કોઈ સંબંધ
નથી.
મજાની વાત તો એ છે
કે આવા પ્રકાશનોના સંપાદકો-પ્રકાશકો ક્યારેય કવિઓની કવિતાઓ છાપતા પહેલા તેમની
મંજુરી લેતા નથી, રોયલ્ટીની તો વાત જ છોડો. અને છાપ્યા પછી આવા નકાર-નામા લખવામાં
આવે તો એને શું કહેવું? અને આવું લખ્યા પછી
સંપાદક પ્રવિણ ગઢવી તમામ કવિતાઓના કોપીરાઇટ તો પોતાની જોડે જ રાખે છે!!!
આ દળદાર સંપાદનમાં ' ૧૨૧ દલિત કવિઓ ' સમાવાયા છે, જેમના કેટલાક જન્મે બિન-દલિત કવિઓ છે. વણકર સાહેબ, આપના બ્લોગમાં આપે ૯ બિન-દલિત કવિઓની દલિત કવિતાઓ પોસ્ટ કરી છે, જેમાંના કોઈ અહી સમાવાયા નથી. ' દલિત ચેતના' અને 'હયાતી' જેવા દલિત સાહિત્યના સામયિકોમાં પણ અવારનવાર આ સિવાયના બિન-દલિત કવિઓની કવિતાઓ 'દલિત કવિતા' ના નામે પ્રગટ થતી હોય છે. નીરવ પટેલે પણ કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત 'ગુજરાતી દલિત કવિતા' સંપાદનની પ્રસ્તાવનામાં કેટલાક બિન-દલિત કવિઓની દલિત થીમ પર લખેલી કવિતાઓનો ઉલ્લેખ કરી લખ્યું છે કે આવા જન્મે બિન-દલિત કવિઓ થકી લખાયેલી દલિત કવિતાઓનો અલાયદો સંચય થાય તો સામાન્ય વાચક ઉપરાંત સાહિત્ય અને સમાજશાસ્ત્રના અભ્યાસીઓને વિશેષ ખપમાં આવે. ગાંધીવાદી અસર હેઠળ લખતા ઝવેરચંદ મેઘાણી, સુન્દરમ, ઉમાશંકર જોશી વગેરેથી પહેલાના અને પછીના નરસિંહ મહેતાથી લઈને આધુનિકો એવા સિતાંશુ, રઘુવીર, યજ્ઞેશ જેવા જન્મે બિન-દલિત એવા અનેક કવિઓની દલિત થીમ પર લખેલી કવિતા મળી શકે. ત્યારે આ સૌને સંપાદક શ્રી પ્રવીણ ગઢવીએ કયા કારણસર પોતાના આ સંપાદનમાં સમાવ્યા નથી અને પેલા 'કેટલાક'ને કયા કારણસર સમાવ્યા છે એનું કોઈ લોજીક આપ્યું નથી. ત્યારે માનવું રહે કે આ તેમની અંગત પસંદગીનો વિષય છે જેમાં એ ધારે તેને સમાવી શકે અને ધારે તેને બાકાત રાખી શકે.
જવાબ આપોકાઢી નાખોપ્રસંગોપાત લાગણીના ઉદ્રેકમાં આવી જઈ ક્યારેક હંગામી તો ક્યારેક ધરાર ફેઇક સહાનુભૂતિ પ્રગટ કરવા ખાતર, તો વળી કવિતાની હરેક ધારામાં પોતાની સરખી કુશળતા પૂરવાર કરવાના અભિમાની ઈરાદે પણ જન્મે દલિત કે જન્મે બિન-દલિત એવા મુખ્ય ધારા જેને 'દલિત કવિતા'ની સામે 'લલિત કવિતા'ની ધારા પણ કહેવાય છે એવા કવિઓ ક્યારેક દલિત થીમ પર કવિતા લખી કાઢે છે. અને કવિતાના કસબથી માહેર હોઈ એમની કવિતા પ્રાસાનુપ્રાસ, છંદોલય જેવા બંધારણો અને અલંકારો થકી ઓળખાતી સૌન્દર્યવાદી 'કળા'કૃતિઓ લાગી શકે છે.
પણ ' દલિત કવિ'ની લાયકાત કેવળ જન્મના અક્સ્માતથી સિદ્ધ નથી થતી. 'દલિત કવિ' બનવા માટે કોઈનું અનુસૂચિત જાતિના સભ્ય હોવું જરૂરી કે અનિવાર્ય નથી, અને એ રીતે જ કેવળ જન્મે દલિત હોવા માત્રથી જ કોઈ પણ કવિ 'દલિત કવિ' ના બહુમાંનનો હકદાર બની જતો નથી. અરે જેને સવર્ણ હિંદુ કહીએ છીએ એ જ શા માટે, હું તો કહું છું વિશ્વની કોઈ પણ નસ્લ/જાતિ/રંગ/ રાષ્ટ્ર્યતા ધરાવતી વ્યક્તિ પણ 'દલિત કવિ' ના સમ્માનનો હકદાર છે.
ત્યારે એવી કઈ 'ચીજ' છે જે કોઈ પણ કવિને માત્ર 'કવિ'ની ઓળખથી અલગ અને વિશિષ્ટ એવી 'દલિત કવિ' ની ઓળખ આપે છે? અને એ ઓળખથી કવિ પોતે જાણે વિભૂષિત થતો હોય તેવી લાગણી અનુભવે છે. આ સંપાદનમાં સમાવિષ્ટ કવિઓ જેવા કે કેશુભાઈ દેસાઈ, કિશોરસિંહ સોલંકી, હર્ષ બ્રહ્મભટ્ટ, ભરત કવિ, હર્ષદ ચંદારાણા, હરિ પાર, હાસ્યદા પંડ્યા, વિરંચી ત્રિવેદી વગેરે સૌ પોતાની આ 'દલિત કવિ'ની નવી ઓળખને ગૌરવરૂપ ગણતા હશે ? અને જો હા, તો તો તેઓ સૌ હરેક સાચા 'દલિત કવિ' ની જેમ પોતાને આ નવી ઓળખથી જ હર કોઈ કવિ સંમેલનમાં કે પરિચય કોશમાં પોતાને એ રીતે જ ઓળખાવશે.
'દલિત કવિતા' તો માનવ અધિકારોના હનન કરતી, માનવ ગરિમાના હનન કરતી હિન્દુધર્મની વર્ણવ્યવસ્થા અને જ્ઞાતિપ્રથાના નિકંદન કરીને એને સ્થાને સમાન તાવાદી-ભ્રાતૃભાવવાદી- માનવતાવાદી સમાજરચના સ્થાપવાની એક વિચારધારા છે જે કવિતાના માધ્યમે-સ્વરૂપે અભિવ્યક્ત થાય છે. આ વિચારધારાને અપનાવ્યા વિના, આ વ્યાખ્યા-વિભાવનાને સ્વીકાર્યાં વિના, એનાથી પ્રતિબદ્ધ થયા વિના કોઈ પણ કવિ -- જન્મે દલિત કે જન્મે બિનદલિત -- 'દલિત કવિ' હોવાના સમ્માનને લાયક બની શકતો નથી. અલબત્ત, અગાઉ કહ્યું તેમ એવા પ્રતિબદ્ધતા વગરના પણ પ્રસંગોપાત સહાનુભૂતિ વ્યક્ત કરવા માટે દલિત થીમ પર કવિતા લખતા જન્મે બિનદલિત અને જન્મે દલિત એવા મુખ્યધારાના બેઉ પ્રકારના કવિઓના અલાયદા સંપાદનો સુંદર અભ્યાસનો વિષય બની શકે.
neerav patel