શનિવાર, 11 ઑગસ્ટ, 2012

બહુજન એજન્ડા ગુજરાત 2012


ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી વખતે બહુજન એજન્ડા ગુજરાત 2012નો અમલ કરવાની ક્ષમતા કયા રાજકીય પક્ષમાં છે?

  • અંબાજી, ચોટીલા, દ્વારકા, સોમનાથ, પાવાગઢ જેવા હિન્દુ ધર્મના મંદિરોમાં પૂજારી તરીકે અનુસૂચિત જાતિઓના ગુરુ બ્રાહ્મણ યુવાનોની નિમણૂંક કરવી. હાલની સરકાર સમાજ કલ્યાણ વિભાગના ખર્ચે ગુરુ બ્રાહ્મણ યુવાનોને સંસ્કૃતમાં કર્મકાંડ શીખવે છે. સામાજિક સમરસતા માત્ર વાતો રવાથી નહીં થાય. નામાંકિત હિન્દુ મંદિરોમાં દલિત યુવાનોની પુજારી તરીકે નિમણૂંક કરવાથી જ સમરસતા થશે. 2012ની ચૂંટણી પહેલા ભાજપ સરકાર આ બાબતે પરિપત્ર બહાર પાડી શકે છે.
  • ઉપરોક્ત મંદિરોની આસપાસના વિસ્તારોમાં દરેક ઠેકાણે ઉદ્યોગ-સાહસિક વાલ્મીકિ યુવાનોને રોજગારી માટે સ્ટોલ્સ સરકારના ખર્ચે નાંખી આપવા. આનંદી પટેલ વાલ્મીકિ વાસમાં જઇને વાલ્મીકિ વડીલોના પગ ધોવાના નાટકો કરે છે. એમને એમની સાચી દાનત બતાવવાનો આ શુભ અવસર છે.
  • દરેક ભૂમિહીન દલિત, આદિવાસી, બક્ષી પંચની જાતિઓના લોકોને કુટુંબ દીઠ બે એકર જમીન ફાળવવી. "બક્ષી પંચ બચાવો"ના નારા લગાવતા શાસક પક્ષ માટે બક્ષી પંચની ઠાકોર, વણઝારા, દેવીપૂજક, રબારી જાતિઓ માટે સાર્થક કાર્ય કરવાની આ ઉમદા તક છે.

  • શહેરોમાં રસ્તાઓ પર વેપાર કરતી દેવીપૂજક સમુદાયની મહિલાઓ માટે હાલ બની રહેલા અને ભવિષ્યમાં બનનારા ફ્લાયઓવર બ્રીજોની નીચે દુકાનો ફાળવી આપવામાં આવે. સરકાર આ માટે પરિપત્ર બહાર પાડી શકે છે.

  • ગાંધીનગરમાં અનુસૂચિત જાતિઓ-જનજાતિઓ માટે 1000 બેઠકો ધરાવતી સરકારી મેડીકલ કોલેજ શરૂ કરવામાં આવે. કેમકે અત્યારે સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં મોટાભાગની અનામત બેઠકો એક બેઠકના રૂ. એક કરોડમાં એનઆરઆઈને વેચવામાં આવે છે. અને આદિવાસી યુવાનોની તકો છીનવાય છે. આદિવાસી માટેના નાણામાંથી બસો ખરીદવાના બદલે આવી કોલેજ પાછળ નાણા ખર્ચવામાં આવે.

  • ગુજરાતના 40 ટકા બાળકો કુપોષણનો ભોગ બન્યા છે. બીજી તરફ, ગુજરાતમાં વર્ષે એક અબજ ઇંડાનું ઉત્પાદન થાય છે. ગુજરાતના બાળકોને મધ્યાહ્ન ભોજન યોજનામાં તેમ જ આંગણવાડીઓમાં બાફેલા ઇંડા આપવામાં આવે. ઇંડાનો વિરોધ કરતા કેટલાક નાગા બાવાઓને કારણે ગુજરાતના બાળકો કુપોષણનો ભોગ બને છે. ઇંડાનો વિરોધ કરતા લોકો પાસે કાજુદ્રાક્ષ ખાવાના બહુ પૈસા છે. શાસકોએ આવા નાગા બાવાઓની ખુશામત કરવાનું બંધ કરવું જોઇએ. અને ગુજરાતના બાળકોની સાચી સેવા કરવી જોઇએ. આગામી પાંચ વર્ષમાં ગુજરાત ઓલીમ્પીકમાં ઓછામાં ઓછા વીસ ગોલ્ડ મેડલ લાવે તેવો લક્ષ્યાંક રાખવો જોઇએ. બાળકોને ચડ્ડી પહેરાવીને હાથમાં લાકડીઓ-ત્રિશુળો પકડાવીને કેટલાક લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે. તે પ્રવૃત્તિ પણ બંધ થવી જોઇએ.

  • દાંતા જેવા આદિવાસી-બહુલ તાલુકામાં માતા અંબાજીનું ધામ છે. હજારો હિન્દુઓ સમગ્ર વર્ષ દરમિયાન અહીં ઉમટી પડે છે અને આદિવાસીએ હજારો વર્ષથી જીવના જતને જાળવી રાખેલા પર્યાવરણ-કુદરતી સંસાધનોનો બેફામ ઉપયોગ કરે છે. આથી, અંબાજીના દર્શને આવતા પ્રવાસીઓ માટે વ્યક્તિદીઠ પાંચ રૂપિયા ટોલ લેવામાં આવે અને તેમાંથી એકત્રિત થતા નાણામાંથી અંબાજી ડેવલપમેન્ટ કાઉન્સીલ રચવામાં આવે અને તેના દ્વારા અંબાજી ખાતે સમગ્ર વિશ્વની શ્રેષ્ઠ અને વિશાળ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવે અને આ હોસ્પિટલની સાથે જોડાયેલી 1000 બેઠકો ધરાવતી માત્ર ને માત્ર આદિવાસી યુવાનો-યુવતીઓ માટેની સરકારી મેડિકલ કોલેજ રચવામાં આવે. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો