ગુરુવાર, 30 ઑગસ્ટ, 2012

ચીફ મિનિસ્ટર મટીરીયલ

- રાજુ સોલંકી (મશાલ)

ફરી એકવાર એક ટોળું ચાર રસ્તા વચ્ચે એકઠું થયું.
 ‘મારો, કાપો’ નાં અવાજો વચ્ચે
રગોમાં ગરમ ખૂન દોડતું થયું.
કોકનાં કપાળે ટીલાં હતાં
તો કોકનાં હાથમાં ભાલા હતાં.
કોક હતાં બેકાર,  એમના
ચહેરા સાવ વીલાં હતાં.


આમ તો ખિસ્સાં એમનાં ખાલી હતાં
પરતું એમાં ગંધક, પાવડર અને ખીલા હતાં.
ટોળાનો એક મોવડી હતો,
હાથમાં એનાં મોબાઈલ ફોન હતો,
સામા છેડે ગાંધીનગરનો ડોન હતો.

અચાનક એક ઇસમ ત્યાંથી પસાર થયો.
એના ચહેરા પર દાઢી હતી.
એને જોતાં વેંત સૌએ ફટાફટ ગુપ્તીઓ કાઢી હતી.


ટોળાએ ઇસમને ઘેરી લીધો.
એકે પકડ્યો હાથ
તો બીજાએ ઝાલ્યો પગ
એકે શર્ટ ફાડ્યું
તો બીજાએ ખેંચ્યું પેન્ટ.

ટીંગાટોળી કરીને લાવ્યા
ઇસમને ચાર રસ્તા વચ્ચે.
અધમૂઆ ઇસમનું
ગયું ભાન અધવચ્ચે.
પછી ઠલવાયું પેટ્રોલ ધડ ધડ ધડાટ.
કીકીયારી કરતુ ટોળું હસ્યું ખડખડાટ.

લાવો દિવાસળી, બાકસ,
 ‘સળગાવો સાલાને, જો જો છટકી ન જાય.’
મોવડી ઉતાવળા સાદે બોલતો જાય.

એક દિવાસળી સળગી,
બીજી.ત્રીજી,ચોથી...
આખું બાકસ થઇ ગયું ખાલી.
ઇસમ કઈ માટીનો હતો?
જ્વલનશીલ પદાર્થ પણ સળગતો નહોતો.
ટોળું ઘડીક વાર વિચારે ચડ્યું.
 (આવું થાય ત્યારે ભલભલું ટોળું પણ વિચારે છે એની તમને ખબર છે?)


મોવડીએ મોબાઈલ પર માલિકોને અજાયબ ઘટનાની ખબર આપી.
આવ્યો આદેશ તત્કાળ સામેથી:
 ‘ઇસમનું બોડી ચેક અપ કરાવો ફોરેન્સીક લેબોરેટરીમાં.’
રીપોર્ટ આવ્યો ચોવીસ કલાકમાં.
ટોળું ભેગું થઇ ગયું જોતજોતામાં.


સૌનાં ચહેરા પર સ્તબ્ધતા હતી.
ઇસમ વિશે જાણવાની આતુરતા હતી.
રીપોર્ટમાં હતું માત્ર એક લીટીનું લખાણ
સદરહુ ઇસમની સાચી ઓળખાણ:

 ‘એને પાંચ કિલો આર.ડી.એક્સથી ફૂંકી મારો.
એ ચીફ મિનિસ્ટર મટીરીયલ છે.’


(from: http://rajeshsolankiraju.blogspot.in/2011/08/blog-post_4974.html)

કેવો અંધાપો



અંબાજી માતાના મંદિરના પરિસરમાં દસ-પંદર છોકરાઓ ઉત્પાત મચાવી રહ્યા છે. ગંદા, ગોબરાં, મેલાઘેલાં કપડાં, ફાટેલી ચડ્ડીઓ, નાકેથી લબડતા લેંટના શેડાં. છોકરાં કમાલના કરતબ કરે છે. ગુલાંટો મારે. દસ ફુટ ઉંચી રેલિંગથી લટકે. પડવાની બીક વિના. "આ છોકરા કોણ છે?",  મેં મારા મિત્ર દિપક ડાભીને પૂછ્યું. "નટના છોકરાં છે. અંબાજી ગામમાં એમનો વાસ છે." નટ ગુજરાતની અતિ પછાત જાતિ છે. ગરીબી, નિરક્ષરતા, બેકારી, ગુનાખોરી – બધા દુષણો નટને વળગ્યા છે. હવે એમનો પરંપરાગત ધંધો પડી ભાંગ્યો છે. દારૂ ગાળે, વેચે, ચોરીઓ પણ કરે, અલબત્ત, અંબાણી જેટલી નહીં.

મંદિરની ભોજનશાળામાં માત્ર દસ રૂપિયામાં પેટ ભરીને જમ્યા પછી પાછળની સીડીથી ઉતરતા લોકોને આ દસ-પંદર ભિખારી જેવા લાગતા છોકરાઓનું ટોળું ઘેરી વળે છે. નીચે દરવાજે એક આંધળો પણ ભીખ માંગી રહ્યો છે. એક એનઆરઆઈ કપલ પાસે એક છોકરો ધસી જાય છે. છોકરો વાંકો વળીને યુવાનને પગે લાગે છે. પાંચ હજારના વુડલેન્ડના શુઝ રખે ગંદા થઈ જાય એની બીકમાં એનઆરઆઈ યુવાન પાછો ખસી જાય છે. એના મોંઢા પર આ ગંદી વેજા સામેનો સખત અણગમો ત્રિશુળની જેમ ઉપસતો દેખાય છે. "ચલ હટ", કહીને એ પેલા આંધળાના હાથમાં રૂપિયો મૂકે છે. જમીને સીડીઓ ઉતરતા એકપણ ભક્તને આ છોકરાઓ માટે સહાનૂભૂતિ થતી નથી. એક આંધળો ભીખ માંગે છે, એ સૌને દેખાય છે. નટ જાતિમાં જન્મેલા છોકરાઓનું આંધળું, લાચાર ભવિષ્ય કોઈને દેખાતું નથી. કેવો અંધાપો આવ્યો છે ધરમઘેલાં ગુજરાતીઓને. 

બોલીવુડના સ્ટંટમેનોનેય શરમાવે એવા કરતબના સ્વામી આ નટોની પેઢીઓ દોરડા પર લાકડી લઈને ચાલતી રહી. દેશ ઓલીમ્પિકમાં ગોલ્ડ મેડલ માટે નિસાસા નાંખે છે. અંબાજીના મંદિરમાં નટના છોકરા ભીખ માટે કગરે છે. મારો ધરમ, મારી સભ્યતા, મારો એનઆરઆઈ, મારો ગ્લોબલ ગુજરાતી એમને ભીખ આપવાની પણ ના પાડે છે.    

બુધવાર, 29 ઑગસ્ટ, 2012

રામકથા અને તમાકુ







મિરાજ તમાકુના વેપારી મદનલાલ પાલીવાલે મુરારીની રામકથાની જાહેરાતો ગુજરાતી છાપાઓમાં આપી. બે દિવસ પહેલા લોકોને તમાકુ છોડવાની લાગણીશીલ અપીલો કરનાર દિવ્ય ભાસ્કરે પણ મુરારીની રામકથા માટેની પાલીવાલની આખા પાનાની જાહેરાતો છાપીને લાખો રૂપિયા રળી લીધા. મનહર જમીલનો આ ફોટો રામભક્તોના ઘરમાં કાલે લટકતો હશે અને મિરાજ મમળાવતા મમળાવતા રામભક્તો દશરથની જેમ પોતાને પણ ચાર પત્નીઓ હોય તો કેવું સારુ એવું વિચારતા રહેશે.

મંગળવાર, 28 ઑગસ્ટ, 2012

કોણે કોના પગ ધોવા જોઇએ (પ્રશ્નાર્થ)




આરઆરએસના સુપ્રીમો મોહન ભાગવત અયોધ્યામાં રામ પ્રશિક્ષણ કેન્દ્રમાં પધાર્યા. તેમનું તેમજ તેમની સાથે આવેલા સંતો-મહંતોનું કેન્દ્રમાં ભણતી આદિવાસી છોકરીઓએ આ રીતે પગ ધોઇને સ્વાગત કર્યું. ખરેખર તો મોહન ભાગવતે અને હિન્દુ ધર્મના તમામ સંતો-મહંતોએ આદિવાસીઓના પગ ધોવા જોઇએ, કેમ કે હજારો વર્ષોથી આદિવાસીઓએ આ દેશની સંસ્કૃતિની હિફાઝત કરી છે, દેશના જંગલો બચાવ્યા છે અને આ દેશ સાથે ક્યારેય ગદ્દારી કરી નથી.
....અને સવાલ એ છે કે હવે એકવીસમી સદીમાં પુરુષોએ આ રીતે સ્ત્રીઓ પાસે શા માટે પગ ધોવડાવવા જોઇએ (પ્રશ્નાર્થ). આ મોહનભાઈ બાથરૂમમાં જઇને એના પગ ધોઈ નાંખે તો એમાં એની ધોળી મૂછો શું હેઠી પડી જવાની હતી (પ્રશ્નાર્થ) આપણી કહેવાતી નારીવાદીઓ (ઇલાબહેનો, શીલાબહેનો, ગીતાબહેનો, સીતાબહેનો) શા માટે ચીપીયા, સાણસી, ધોકા લઇને આવા ગાંડા, બેવકૂફ, જુનવાણી ઇસમોને ફટકારવા માંડતી નથી (પ્રશ્નાર્થ)




સોમવાર, 27 ઑગસ્ટ, 2012

પટેલલાડુ

નીરવ પટેલ

હળવદનો બામણીયા લાડુ તો નરી લાડુડી --

પટેલ પાવરનો વાવટો ફરકાવતો
ઊંચે ઊંચે આકાશને આંબે એવો
પટેલલાડુ તો સાચ્ચે જ બન્યો ગિનેસ બુકમાં ગોઠવાય એવો !

દેશવિદેશના પટેલગાડાં
જાણે એકસામટા ખાબક્યાં પટેલખળામાં.
ઘી-સાકર ને મેવાથી લચપચ
મહામહામહા લાડુના દર્શન કરીને
મોદીજીના પાંચ કરોડ ગુજરાતીઓ
ને તોગડીયાજીના ૮૫ કરોડ હિન્દુઓના મોંમાં પાણી આવી ગયાં :
આખી દુનિયાનો અન્નદાતા
ને સારાયે જગતનો તાત --
એનો લાડુ તો સૌને પૂગે એવો,
ખાધે ખૂટે નહિ એવો જ હોય ને !

સૌને સંભારી સંભારી
પટેલલાડુની પ્રસાદીના પડિયા
ને પતરાળી વહેંચાવા માંડ્યા :

આ લંડનના લેઉઆ પટેલને ત્યાં,
આ કેનેડાના કડવા પટેલને ત્યાં ,
આ આફ્રિકાના આંજણા પટેલને ત્યાં,
આ આંતરસુંબાના અમીન પટેલને ત્યાં,

આ કાળીગામના કણબી પટેલને ત્યાં,
આ કરમસદના કાછિયા પટેલને ત્યાં,
આ કેસરડીના કોળી પટેલને ત્યાં.

આ કોંગ્રેસના કેશુભાઈ પટેલને ત્યાં,
આ બીજેપીના નરહરીભાઈ અમીનને ત્યાં..

આ દુધિયા ડેરીના માલિક દેસાઈ-પટેલને ત્યાં,
આ બગસરા જવેલર્સનાં માલિક સોની-પટેલને ત્યાં,
આ ગાંધીનગરના જ્યોતિષી ભીખાભાઈ જોશી-પટેલને ત્યાં,
આ સફાઈ વિદ્યાલયના પ્રિન્સીપાલ ઈશ્વરભાઈ પાયખાના-પટેલને ત્યાં,

આ બરોડાના બિલ્ડર મણિભૈ માફિયા-પટેલને ત્યાં,
આ વિસનગર બેન્કના ભોળીદાસ ફડચારામ પટેલને ત્યાં,
આ 'પટેલ પોલ્ટ્રી ફાર્મ' વાળા પ્રવીણભાઈ પટેલને ત્યાં ,
આ 'નિર્દોષ' બીડીવાળા પરભુદાસ પટેલને ત્યાં.
આ કિડનીના વેપારી ડો. કરસનભાઈ પટેલને ત્યાં,
આ સ્વામિનારાયણ સીડીના ડાયરેક્ટર સત્સંગીભાઈ પટેલને ત્યાં...

સૌ મોં વકાસીને જોતાં રહ્યાં
ને પટેલલાડુ તો ૩૫ લાખ કુટુંબની પટેલ બિરાદરીમાં વહેંચાઇ ગયો !

માંહોમાંહેં સૌ ગણગણવા માંડ્યાં :
પટેલ તો અમે ય છીએ, અમે કેમ નાતબહાર ?
હું ય પટેલ ભાયડો છું,
ભરૂચનો અહમદ ભીખાજી પટેલ
હું ય પટેલ છું,
સંજાણનો સોરાબજી બરજોરજી પટેલ
હું ય પટેલ છું,
આણંદ ઓર્થોડોક્સ ચર્ચનો પાદરી
રેવરન્ડ ફાધર સિલાસ જ્યોર્જ પટેલીયા
હું ય પટેલ છું,
વ્યારાનો તમારો વેવાઈ ઓતમભાઈ આદિવાસી વસવા-પટેલ
હું ય પટેલ છું,
દસ્કોશી રોહિત સમાજના જ્ઞાતીપટેલનો દીકરો નીરવ પટેલ
હું ય પટેલ છું,
ઉમીયામાંતાના આંગણાને અજવાળનાર વાલ્મીકી-પટેલ
હું ય પટેલ છું,
પન્નાલાલ પટેલના માનસપુત્ર કાનજીની પ્રિયતમાની કૂખે
જન્મેલું અનૌરસ સંતાન

હું ય પટેલ છું,
મુખી કે મતાદાર ના હોવા છતાં
તમારી જેમ ગામ આખાની લૂખ્ખી પટલાઈ કરું છું...

હું ય પટેલ છું,
એક વખતનો તારો શેઢાપાડોશી ઠાકરડો પાટીદાર -
મારી ય વીસ વિઘા પાટ હતી
જે વાણિયાના ચોપડે ડૂબી ગઈ !
ટાણે યાદ છે મારી જેમ તારા ઘરનું પાણી ય
ભરામણ-વાણિયા પિતા તે દિ' ?

તને યાદ છે ,
મારી વળગણીએ સૂકવેલી મુડદાલ માંસની વલૂરીઓ ખાઈને
આપને છપ્પનિયો કાળ કાઢેલો ?

તને યાદ છે,
તારો ધોળિયો ધોરી
ને મારો કાળીયો ધોરી
ને આપણી બાપદાદા વખતની સૂંઢળ ?

આદમબાબાની ઓલાદ આપણ સૌ,
આખી પૃથ્વીના પાટીદાર આપણ સૌ.
તને યાદ છે,
ત્યારે તો આ પૃથ્વીને કશા આટાપાટા જ નહોતા ?

તારી નાત આટલી નાની નાં કર પટેલિયા,
તારી જાત આટલી ઝીણી નાં કર પટેલિયા.
મૂઠી ધાન માગી જા ઘરદીઠ
પટેલ લાડુ બનાવ મોટ્ટો મોટ્ટો
માણસદીઠ સૌને પ્રસાદી પહોંચે તેવડો
પૃથ્વીના ગોળા જેવડો મોટ્ટો મોટ્ટો ...