જુનાગઢમાં બૌદ્ધ
ધર્મ અંગીકાર સમારોહ થઈ રહ્યો છે ત્યારે વીતેલા યુગના એક નખશિખ બૌદ્ધ મહેન્દ્રજી
ગૌતમને યાદ કરવા જેવા છે. 1960માં મહેન્દ્રજી ગૌતમ બૌદ્ધ ભિખ્ખુ સંઘરક્ષિતજીથી
પ્રભાવિત થયા, બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અને અમદાવાદની દલિતોની ચાલીઓમાં ફરીને
બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. સંઘરક્ષિતજી અંગ્રેજીમાં બોલતા અને મહેન્દ્રજી
તેમના પ્રેરક પ્રવચનોનું સરળ ગુજરાતીમાં ભાષાંતર કરતા હતા.
મહેન્દ્રજી તેમના
યુગના અસાધારણ બૌદ્ધિક હતા. સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડીયાના ઓફિસર્સ યુનિયનમાં તેમનો
પડ્યો બોલ ઝીલાતો હતો. કર્મચારીઓના પ્રશ્નોમાં અંગત રસ લઇને એવું સુંદર ડ્રાફ્ટિંગ
કરતા કે મેનેજમેન્ટને નીચે નામ વાંચ્યા વિના ખબર પડી જતી કે એ લખાણ મહેન્દ્ર
ગૌતમનું છે. ડાબેરી ઝોક ધરાવતા મહેન્દ્રજીએ ‘ઇન્દુલાલ યાજ્ઞિક: એક સ્મરણિકા’ તૈયાર કરવામાં પણ મહત્વનું યોગદાન આપ્યું
હતું.
ડો. બાબાસાહેબ
આંબેડકરના અમૂલ્ય વિચારવારસાને ગુજરાતીમાં લાવવાનું શ્રેય મહેન્દ્રજીને ફાળે જાય
છે. તેમના મૃત્યુ પછી તેમના કુટુંબીજનોએ તેમણે બાબાસાહેબની પ્રસિદ્ધ કૃતિ ‘Annihilation of Caste’ના કરેલા ગુજરાતી
અનુવાદને પુસ્તકરૂપે વર્ષ 2003માં પ્રગટ કર્યો અને તેમને યોગ્ય શ્રદ્ધાંજલી આપી
છે. રૂ. 40 કિંમતનું આ પુસ્તક 9, રંગદર્શન સોસાયટી, પંચશીલ સંકુલ, રાણીપ, અમદાવાદ-382480
(ફોન 27523477) ખાતે ઉપલબ્ધ છે.
તા. 24-6-1936માં
જન્મેલા મહેન્દ્રજીનું અવસાન તા. 15-2-2003માં થયું હતું.