ગોધરાકાંડના દસ
વર્ષ પછી
દસ વર્ષ પછી ગોધરાકાંડ વિષે વિચારું છું ત્યારે એક પ્રશ્ન ઉઠે છે. શું એક્શન-રીએક્શનની ફેનેટિકલી મોડીફાઇડ (એફએમ) થીઅરી સાચી છે? જેમ કે,
- 1993માં બાબરી મસ્જિદનો ધ્વંશ કરવાનું કટ્ટરપંથી હિન્દુઓનું એક્શન
- 2002માં ગોધરામાં ટ્રેન સળગાવવાનું રીએક્શન
- વળતા ઘા તરીકે સમગ્ર રાજ્યમાં લઘુમતી પર રાજ્ય-પ્રેરીત વંશીય સંહારનું એક્શન
- વરવા હત્યાકાંડોની વાંહે ચૂંટણીમાં હિન્દુત્વની લહેરનું રીએક્શન,
અને પછી,
વીતેલા દસ વર્ષમાં
આવ્યું વાઇબ્રન્ટ એક્શનોનું ઘોડાપૂર,
- રૂ. 1200 કરોડના સોહામણા ખર્ચે સાકાર થઈ રીવરફ્રન્ટ યોજના, જેણે સર્જી વિસ્થાપિતોની વણઝાર અને પતંગોત્સવની ભરમાર,
- જેના ગામડાઓમા 50થી 85 ટકા લોકો રોજીરોટીની શોધમાં સ્થળાંતર (હિન્દીમાં 'પલાયન') કરે છે, એવા કચ્છમાં રૂ. 7000ના એસી ટેન્ટોમાં રણોત્સવની ક્રીડાઓ શરૂ થઈ,
- જેનું બજાર મૂલ્ય રૂ.10,000 પ્રતિ ચોરસ મીટર છે તેવી જમીન તાતાને રૂ. 900 પ્રતિ ચોરસ મીટરના ભાવે ફાળવીને રૂ. 30,000 કરોડનો ફાયદો કાયદેસર પૂરો પડાયો,
- જેમના વતન રૂપપુરમાં દલિતોની સ્મશાનભૂમિ પડાવી લેવામાં આવી એવા કરસન પટેલના રૂ. 2500 કરોડના નીરમા જૂથને સીમેન્ટ બનાવવા મહુવાની 'દેવોને દુર્લભ' ફળદ્રુપ જમીન ફાળવવાની સરકારે જીદ કરી,
- ગયા વર્ષે 52 લાખ અને આ વર્ષે 60 લાખ ગાંસડી રૂની 'વાઇબ્રન્ટ' નિકાસમાં જેનેટિકલી મોડિફાઇડ (જીએમ) બીટી કોટને નેવુ ટકા હિસ્સો પૂરો પાડ્યો, જેના વાવેતરમાં એક લાખ કુમળા આદિવાસી બાળકોના ભણતર અને જીવતર હોમાયા,
વીતેલા દસ વર્ષમાં
કોણે શું કર્યું?
ભાજપ સરકાર: તેણે બ્યુટિફિકેશન, ગ્લોબલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશનનો
કોંગ્રેસે શરૂ કરેલો એજન્ડા અત્યંત ઘાતકીપણે અમલમાં મુક્યો. રીવર ફ્રન્ટ યોજનાનું
સપનું દલિત મેયર જેઠાલાલ પરમારના સમયમાં કોંગ્રેસે જોયું હતું. 1984-85માં
કાગદીવાડની ફરતે પોલિસે ઘેરો ઘાલ્યો ત્યારે સ્વૈચ્છિક સંગઠનો નદીના પટમાં ઉતરી
પડ્યા હતા. 2002ના નરસંહારે કહેવાતા નાગરિક સમાજને વધારે સંવેદનહીન બનાવ્યો એમ
કહીશું? કે બિલ્ડર લોબી અને સત્તાની સાંઠગાંઠ વધારે સબળ બની
એમ કહીશું?
કોંગ્રેસ: ગુજરાતમાં નરેન્દ્ર મોદીના સૌથી મજબૂત ટેકેદાર
તરીકેની કોંગ્રેસની કામગીરીની ઇતિહાસમાં જરૂર નોંધ લેવાશે. ગુજરાતમાં નરેન્દ્ર
મોદી સત્તા પર રહે ત્યાં સુધી સમગ્ર ભારતમાં મુસલમાનો કોંગ્રેસને જ વોટ આપશે એ
સમીકરણ સાચુ ઠર્યું.
સેક્યુલર સવર્ણો: હુલ્લડોમાં દલિતો-આદિવાસીઓએ મોટાપાયે ભાગ લીધો, એવી દલીલનો દેશ અને દુનિયામાં ઢોલ
વગાડી વગાડીને પ્રચાર કર્યો અને પોતે ગીલ્ટ ફીલિંગમાંથી મુક્ત થઈ ગયા. સવર્ણ તરીકે
દલિતો, આદિવાસીઓ વતી બોલવાની ઠેકેદારી તો હતી જ, હવે સેક્યુલર બન્યા, એટલે મુસલમાનો વતી પણ બોલવાનો
અધિકાર મેળવી લીધો.
એનજીઓ: દસ વર્ષ પછી ઇન્સાફની ડગર પર પ્રોજેક્ટ આધારીત
એનજીઓ એકઠી થઈ શકે છે, પરંતુ
સમુદાયો એકઠા થતા નથી.
મધ્યમ વર્ગ: માધવસિંહ સોલંકી
ગુજરાતને જાપાન બનાવવાની વાતો કરતા હતા, ત્યારે એમને અહેસાસ નહીં હોય કે એમના પક્ષની જડ ઉખેડનાર
જમણેરી વિચારધારાને વરેલો પક્ષ હિન્દુ મધ્યમ વર્ગની આંખે વિકાસના પાટા બાંધી દેશે. વીતેલા દસ વર્ષમાં મધ્યમ વર્ગ વધારે સ્વાર્થી બન્યો. ભ્રષ્ટ વ્યવસ્થાના તમામ લાભો
અંકે કરવાની તકોનો પૂરેપુરો કસ કાઢતા કાઢતા "હું અન્ના હજારે છું" લખેલી ટોપી પહેરીને આશ્રમ રોડ પર દોડતો થયો આ મધ્યમ વર્ગ.
મુસલમાન: ગોધરાકાંડને એક
ભયાનક દુ:સ્વપ્ન સમજીને અસ્તિત્વના સંઘર્ષમાં બમણી તાકાતથી જોતરાઈ ગયો. ભાજપ
ગુજરાતમાં કાયમ રહેશે એવી દહેશત સાથે જીવવાની ટેવ પાડી છે, પરંતુ લંગડા ઘોડા જેવી કોંગ્રેસને મત
આપવાની લાચારી એને ખટકી રહી છે.
દલિતો: "જે દિવસે હરીજનો હથિયાર લઇને સવર્ણો પર હૂમલા કરશે, તે દિવસે હું પગમાં ઘુંઘરુ બાંધીને
નાચીશ" એમ ત્રીસ વર્ષ
પહેલાં અમદાવાદના આંબેડકર હૉલમાં કહેનારા ભાનુ અધ્વર્યુના એક એક શબ્દ પર હું તાળીઓ
પાડતો હતો. 2002માં મુસલમાન-વિરોધી સવર્ણ-આક્રોશમાં દલિતોને પણ સામેલ થતા જોઇને હું વિમાસતો હતો કે, શું
આ એ જ સમાજ પરિવર્તન છે, જેના માટે હું પોરસાતો હતો?
દસ વર્ષમાં દલિતોનો
અગ્રવર્ગ કોંગ્રેસ છોડીને ભાજપ તરફ વળ્યો અને સત્તાકેન્દ્રની નજીક રહીને પર્યાપ્ત
માલમલીદા જમ્યા પછી હવે દલિત સમાજ માટે ચિંતન શિબિરો યોજતો થયો. સંઘ પરિવારના
માસિક "સમરસતા
સેતુ"ના ફેબ્રુઆરી-2012ના અંકમાં જણાવ્યા પ્રમાણે, ધંધુકા
તાલુકાના બ્રાહ્મણ બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર પ્રસંગે ગુરુમંત્રની દિક્ષા એક દલિત
સંત પૂજ્ય શ્રી શંભુનાથજી મહારાજના હસ્તે આપવામાં આવી. ગુજરાતમાં સંઘ પરિવારના એક
પ્રખર પ્રચારકનું શાસન હોય ત્યારે દલિતોને આવી ફાલતુ વાતોથી સંતોષ કઈ રીતે થાય?
દ્વારકા, અંબાજી, ડાકોર
જેવા હિન્દુઓના પવિત્ર ધામોમાં વાલ્મીકિ સમાજના સુશિક્ષિત યુવાનોની પુજારી તરીકે
નિમણુંક થાય તો જ સાચી સમરસતા થશે એવું નરેન્દ્ર મોદીને કહેવાની હિંમત દેવજીભાઈ
રાવત, પ્રો. પી. જી. જ્યોતિકર, મિનેશ
વાઘેલામાં છે ખરી?
આ લખનારે
રાજપુર-ગોમતીપુરની વીસ ચાલીઓના 1052 કુટુંબોના 4026 વિદ્યાર્થીઓનો સરવે કરાવ્યો
ત્યારે ડ્રોપઆઉટ રેટ 54.11 ટકા જાણવા મળ્યો. કોલકાતાના સોનાગાછી વિસ્તારની
રૂપજીવિનીઓના સંતાનોનો ડ્રોપઆઉટ રેટ કૈંક આટલો છે એવું પશ્ચિમ બંગાળના મહિલા અને
બાળ કલ્યાણ મંત્રાલય અને યુનિસેફે સંયુક્તપણે કરેલા અભ્યાસમાં જણાયું. માત્ર એક સૂત્રમાં દલિતોની હાલત
વ્યક્ત કરવાની હોય તો કહીશ કે, "ગામમાં ખેતર નહીં,
શહેરમાં ભણતર નહીં."
વીતેલા દસ વર્ષમાં
દલિતો અને મુસલમાનો વચ્ચે જે ખાઈ ઉભી થઈ એ તો ખરેખર એક પરિણામ હતું, એના કારણો છેક 1981થી શરૂ થયેલા અનામતવિરોધી રમખાણોમાં છે, જેની વિગતે ચર્ચા મેં મારી નાનકડી પુસ્તીકા ભગવા નીચે લોહીમાં વિગતે કરી છે.
હમણાં ગોધરામાં મળેલા "ન્યાયની ખોજ" સંમેલનમાં મેં જે જણાવેલું એ
પૈકીના બે મહત્વના મુદ્દા અહીં નોંધું છું. મેં કહેલું,
"નરેન્દ્ર મોદીના પોલિટિકલ
એન્કાઉન્ટરનો સમય પાકી ગયો છે. ત્રીસ વર્ષ પહેલાં ગુજરાત વિધાનસભામાં મુસલમાનોના
નવ પ્રતિનિધિઓ બેસતા હતા. આજ માત્ર ચાર વિધાનસભ્યો છે. બાકીની પાંચ બેઠકો પર
ભાજપના ઉમેદવારો ચૂંટાયા છે. ભાજપે આ માટે મુસલમાનો સામે દલિતો, આદિવાસીઓ અને
પછાત વર્ગોને ઉશ્કેર્યા અને હુલ્લડો કરાવ્યા. મુસલમાનોએ જે બેઠકો ગુમાવી એમાંથી એક
પણ બેઠક પર દલિત, આદિવાસી કે પછાત વર્ગની વ્યક્તિ ચુંટાઈ
નથી. નરેન્દ્ર મોદી ખરેખર સદભાવના ઇચ્છતા હોત તો, કમ સે કમ
એક મુસલમાનને તેમની કેબિનેટમાં પ્રધાન બનાવ્યો હોત....
આનંદીબહેને પાટણના દલિત મહોલ્લામાં જઇને સફાઇ કામદાર વડીલોના પગ ધોયા. અને
સમગ્ર ગુજરાતના સફાઇ કામદારો ગદગદ થઈ ગયા. આનંદીબહેન તો નાટક કરે છે. આપણે નાટક
કરતા નથી. ગોધરાનો મુસલમાન ગુજરાતનો મુખ્યમંત્રી બની શકે છે, શરત એટલી કે
એણે દલિતોને સમાનતા અપાવવા લડવું પડશે. તમારી જેમ જ આ રાજ્યમાં ઘણા લોકો,
દલિતો, આદિવાસીઓ, પછાતો
ન્યાયની ખોજમાં છે. એમની લડાઈ પણ તમારી લડાઈ બને તો જ તમે જીતશો."