એક સમુદાયનો મહારાજ મરી જાય ત્યારે એની અંત્યેષ્ટિ માટે પણ પૈસાની બોલી લગાવાય
છે અને રૂ. 5.5 કરોડની બોલી બોલનારી વ્યક્તિને મુખાગ્નિ પ્રગટાવવાનું સન્માન મળે
છે. આ દેશમાં તમે રૂ. 5.5 કરોડ ખાડા ખોદીને કે ઝાડુ મારીને કે કપડાં વણીને તો રળી
ના શકો. એમાં બહુ મોટો હિસ્સો કાળા નાણાનો જરૂર હશે. વળી, ડઝનેક ચાર્ટર્ડ
એકાઉન્ટન્ટોને લાંચ આપીને તમે આટલું બધું કાળુ નાણુ એકઠું કરતા હો અને એ પાછું કોઈ
ધાર્મિક સંત કે સ્વામી કે મહારાજની પાછળ લૂંટાવતા હો તો એ મહારાજ પણ તમારા આ કાળા
નાણાની રક્ષા કરનારો મોટો ચિંતક, વિચારક, આઇડીયોલોગ હોવો જ જોઇએ. ગુજરાતમાં જૈનોનો
ચંદ્રશેખર વિજયજી મહારાજ આવા જ આઇડીયોલોગ હતા, જેમના કહેવાથી નરેન્દ્ર મોદીએ
કતલખાના બંધ કરાવ્યા. આવા લોકોની જ પ્રેરણાથી ગુજરાતમાં કહેવાતા અહિંસાપ્રેમી
સજ્જનો મુઠ્ઠીભર કસાઈઓને દુનિયાના સૌથી મહાન હત્યારા ઘોષિત કરવા અભિયાન ચલાવી
રહ્યા છે. આવા ચંદ્રશેખરવિજયજી મહારાજ તેમના પુસ્તકમાં દલિતો-આદિવાસીઓ-પછાત વર્ગો
માટે શું કહે છે તે જોવા જેવું છે:
"એક સમય એવો આવશે કે રાજકારણના શાસન
ક્ષેત્રમાં સર્વત્ર બી.સી.નું પ્રભુત્વ આવી જશે. રાષ્ટ્રપતિ બી.સી., વડાપ્રધાન
બી.સી., બેંકમાં બી.સી., લશ્કરમાં બી.સી., બધી જગ્યાએ તેમના આધિપત્ય હેઠળ આવી જશે
ભારતની બળવાન ક્ષત્રિય પ્રજા, વેદ, વિદ્યા-વ્યાસંગી પ્રજા બ્રાહ્મણ અને બુદ્ધિમાન
પ્રજા જૈન!"
"આનાથી કોઇનું કલ્યાણ થઈ શકશે નહીં. બી.સી.નું પણ નહીં, કારણ કે આ ક્ષેત્રોમાં
તેમનું કામ નથી. ત્યાં જે પ્રકારની શક્તિ, બુદ્ધિ વગેરેની જરૂર છે, તે તેમને
વારસામાં મળી જ નથી. માત્ર શિક્ષણથી કશું જ મળતું નથી. તેમને ઉંચા લાવવાનો બીજો
કોઈ રસ્તો પણ નથી."
"સંસ્કૃતિના જાણકારો કહે છે કે તેમને ઉંચે લાવવા હોય તો તેમની રોજી-રોટીના
વંશપરંપરાગત જે વ્યવસાય હતા, તે પાછા લાવવા પડશે. હરિજનો તેમને તેમનો હાથશાળનો
ધંધો, ગિરિજનોને તેમના અડાબીડ જંગલો પાછા સોંપી દેવા પડશે."
"જગજીવનરામ જેવા કોકને પ્રધાન બનાવી
દેવાથી, એક જ નળથી બધાને પાણી પીવડાવવાથી બધાનું પેટ ભરાવવાનું નથી. આ તો
છેતરપીંડી છે. પછાત કહેવાતી જાતિઓને ખોટી રીતે ભડકાવીને તેમને બરબાદ અને બેહાલ
કરવાની કૂટનીતિ છે." ( પાનું 47, હવે તો તપોવન એ જ તરણોપાય]