અંબાજી માતાના મંદિરના પરિસરમાં દસ-પંદર છોકરાઓ ઉત્પાત મચાવી રહ્યા છે. ગંદા,
ગોબરાં, મેલાઘેલાં કપડાં, ફાટેલી ચડ્ડીઓ, નાકેથી લબડતા લેંટના શેડાં. છોકરાં
કમાલના કરતબ કરે છે. ગુલાંટો મારે. દસ ફુટ ઉંચી રેલિંગથી લટકે. પડવાની બીક વિના. "આ છોકરા કોણ છે?", મેં મારા મિત્ર દિપક ડાભીને પૂછ્યું. "નટના છોકરાં છે. અંબાજી ગામમાં એમનો વાસ છે." નટ ગુજરાતની અતિ પછાત જાતિ
છે. ગરીબી, નિરક્ષરતા, બેકારી, ગુનાખોરી – બધા દુષણો નટને વળગ્યા છે. હવે એમનો
પરંપરાગત ધંધો પડી ભાંગ્યો છે. દારૂ ગાળે, વેચે, ચોરીઓ પણ કરે, અલબત્ત, અંબાણી
જેટલી નહીં.
મંદિરની ભોજનશાળામાં માત્ર દસ રૂપિયામાં પેટ ભરીને જમ્યા પછી પાછળની સીડીથી
ઉતરતા લોકોને આ દસ-પંદર ભિખારી જેવા લાગતા છોકરાઓનું ટોળું ઘેરી વળે છે. નીચે
દરવાજે એક આંધળો પણ ભીખ માંગી રહ્યો છે. એક એનઆરઆઈ કપલ પાસે એક છોકરો ધસી જાય છે.
છોકરો વાંકો વળીને યુવાનને પગે લાગે છે. પાંચ હજારના વુડલેન્ડના શુઝ રખે ગંદા થઈ
જાય એની બીકમાં એનઆરઆઈ યુવાન પાછો ખસી જાય છે. એના મોંઢા પર આ ગંદી વેજા સામેનો
સખત અણગમો ત્રિશુળની જેમ ઉપસતો દેખાય છે. "ચલ હટ", કહીને એ પેલા આંધળાના હાથમાં રૂપિયો મૂકે છે. જમીને સીડીઓ ઉતરતા એકપણ ભક્તને
આ છોકરાઓ માટે સહાનૂભૂતિ થતી નથી. એક આંધળો ભીખ માંગે છે, એ સૌને દેખાય છે. નટ
જાતિમાં જન્મેલા છોકરાઓનું આંધળું, લાચાર ભવિષ્ય કોઈને દેખાતું નથી. કેવો અંધાપો
આવ્યો છે ધરમઘેલાં ગુજરાતીઓને.
બોલીવુડના સ્ટંટમેનોનેય શરમાવે એવા કરતબના સ્વામી આ નટોની પેઢીઓ દોરડા પર
લાકડી લઈને ચાલતી રહી. દેશ ઓલીમ્પિકમાં ગોલ્ડ મેડલ માટે નિસાસા નાંખે છે. અંબાજીના
મંદિરમાં નટના છોકરા ભીખ માટે કગરે છે. મારો ધરમ, મારી સભ્યતા, મારો એનઆરઆઈ, મારો
ગ્લોબલ ગુજરાતી એમને ભીખ આપવાની પણ ના પાડે છે.
એક સાચી નિસ્બત ધરાવતા પત્રકાર અને ખરી પ્રતિબદ્ધતા ધરાવતા કર્મશીલની બેવડી ભૂમિકાથી કામ કરતા રાજુભાઈ, તમે ખૂબ ધન્યવાદને પાત્ર છો. ધાર્મિક સ્થળોના દર્શને તો હર કોઈ જાય છે, કોઈને આ નટ-બજાણીયા વગેરે જેવા અતિ કંગાલિયતમાં જીવતા માનવ સમુદાયોના જીવન વિષે ક્યાં કશો વિચાર આવે છે? અરે આ સાડા પાંચ કરોડ ગુજરાતીઓની ચિંતા કરવાનો ડોળ કરતા મોદીભૈને એક વાર વાદી-મદારીઓ ય યાદ આવ્યા હતા, પબ્લીસીટી મેળવવા જ તો. હવે ચુંટણી નજીક આવે છે, તો વળી તમારી આ પોસ્ટ વાંચીને પબ્લીસીટી રળવાનું એમને સૂઝે ય ખરું. ટનબંધ સોનાના પતરે મંદિરોના શિખરોને શણગારવા દાન આપતા પેલા પટેલિયાઓ ને વાણીયાઓનો ધર્મ તો એમના ધનના દેખાડામાં જ પૂરો થાય છે.
જવાબ આપોકાઢી નાખો