રાજુ સોલંકીની ઓળખ આપતી
વેળા મારે ક્યાં રાજુની ઓળખ કરાવવી, હું એની દ્વિધામાં છું!
'ગુજરાત ટુડે' કે ‘ફાયનાન્સિયલ એક્ષપ્રેસ' (ઇન્ડિયન એક્ષપ્રેક્ષ
જૂથ)ના એક સમયના વ્યાવસાયિક પત્રકાર રાજુનો પરિચય આપવો કે તમારા રૂંવાડાં ખડાં કરી
દેતું ગદ્ય નિરૂપતા રાજુની ઓળખ આપવી કે પોતાની કહોડાફાડ દલિત કવિતા થકી
દલિતદ્વેષીઓને ઉભા ચીરી નાંખતા દલિત કવિ રાજુ સર્જક કર્મની પીછાણ કરાવવી કે પછી
જાતિ નિર્મૂલન સંકલન સમિતિ'ના ઉપક્રમે ‘બામણવાદની બારાખડી' આલેખતા અને
તેને શેરી નાટકરૂપે ગુજરાતભરમાં ઠેર ઠેર ભજવતાં દલિત કર્મશીલ-ચળવળકાર રાજુની
કર્મઠતાનું મૂલ્યાંકન કરવું, એ મારી મૂંઝવણ છે.
દલિત કવિ, લેખક,
પત્રકાર અને કર્મશીલની દરેક ભૂમિકામાં નિજ દલિત નિષ્ઠા સાથે જરા પણ બાંધછોડ કર્યા
વિના રાજુએ સતત પોતાની જાતને પૂરવાર કરી છે. નહીંતર મોટા અખબારોમાં કામ કર્યા પછી
ફરમાસુ પત્રકાર કે લેખક બનીને, બે પાંદડે થઈ જવાનું રાજુ માટે સહજ સાધ્ય હતું. આ દૈનિકોમાં
રાજુએ જ્યારે પણ કઇંક વિશિષ્ટ લખ્યુ ત્યારે હંમેશા દલિતો-શોષિતોને કેન્દ્રમાં
રાખીને લખ્યું. એમાંય ‘ઇન્ડિયન એક્ષપ્રેક્ષ'માંના લખાણો તો રાષ્ટ્રવ્યાપી
પ્રસિદ્ધિ પામ્યા.
‘come on dhedas, fight with us’ જેવા ખુલ્લેઆમ
પડકારો અનામતના રમખાણો ટાણે દલિતોએ સાંભળ્યા અને વેઠ્યા, તેનું યથાતથ બયાન
ઉપરકથ્યા શબ્દોમાં ‘ઇન્ડિયન એક્ષપ્રેક્ષ'ની ‘બાય વર્ડઝ'
કોલમમાં 'break the silence' લેખમાં
વર્ણવીને રાજુએ હિન્દુત્વના વાવાઝોડમાં પોતાની દલિત-ઓળખ ભૂલી જનારા દલિતોને
ચેતવ્યા હતા.
પોતે
પત્રકાર હોવાને નાતે Investigative Journalismના
વિશે જ્યારે પણ કોઈ વિશેષ અહેવાલ લખવાનું નિમિત્ત પ્રાપ્ત થયું ત્યારે રાજુએ
હંમેશા દલિત-એંગલને ઉજાગર કર્યો છે. સુરતના સેવણી ગામમાં ૭૨ બાળકોને ગળે ગાંઠોનો
ભયાનક રોગ નામે ‘ન્યુમોનિક પ્લેગ' થયો ત્યારે ‘નવગુજરાત ટાઇમ્સ'માં પ્રથમ પાનાની
મેઇન સ્ટોરી લખતી વેળાએ ‘સેવણીનો હળપતિ બૂધિયો મરી જશે તો જવાબદાર કોણ?' એવું
ટાઇટલ આપવાનું ચૂકે તો એ રાજુ નહીં.
દલિત
જીવનને રાજુએ કેટલા ઊંડાણથી જોયું-પ્રમાણ્યું છે, રાજુની કલમમાં કેવું કૌવત છે
તેની પ્રતીતિ ૧૯ વર્ષ પહેલાના આ ગદ્યાંશમાંથી મળે છે: "શહેરમાં
રહેતા વણકરોની એવી પેઢીઓ પણ છે, જેમણે બાપજન્મારામાં સાળ પછેડી જોયા નથી; ચમારોની
પણ એવી પેઢીઓ હશે, જેમણે સપનામાંય કુંડમાં છબછબિયાં કર્યા નહીં હોય; ગામડે નદીના
ભાઠામાં તડબૂચ પકવતા વાઘરીઓ બીજી પેઢીએ શહેરમાં આવીને મિલકામદાર બન્યા હોય અને મિલ
બંધ પડતા ત્રીજી પેઢીએ હાથમાં કૂચડો લઈને પેન્ટર બન્યા છે. એટલું જ નહીં કાને જનોઈ
ભરાવીને મૂતરનારા બામણોની પેઢી પણ ધીરે ધીરે ભૂતકાળની ખીણમાં વિસ્મૃત થતી જાય છે,
ત્યારે જ્ઞાતિ વિશેના જડ, પૂર્વગ્રહયુક્ત ખ્યાલો સમાજ તેમજ સાહિત્ય બંને વિષે
આપણું અજ્ઞાન જ છતું કરે છે."
"જ્ઞાતિ
વ્યવસ્થા એક પતનોન્મુખ એકમ હોવા છતાં એની કેટલીક અમાનુષી ખાસિયતો ઇતિહાસકારોને
કાયમ એક નોંધવાયોગ્ય વિષય તરીકે યાદ રહેશે. ગટરોના મેનહોલમાં માથું મૂકીને કામ
કરતા એક જ જ્ઞાતિના માણસો કે અખબારોમાં કોલમ લેખકોની સમાન અટકો કે મિલોમાં અમુક
ખાતામાં કામ કરતા અમુક જ જ્ઞાતિના માણસો- આ બધી હકીકતો પરથી જ્ઞાતિ વ્યવસ્થાની જડ આ
દેશમાં કેટલી મજબૂત છે એની પ્રતીતિ થાય છે. ટોચે બેઠેલા બામણો જ્ઞાતિની દૃષ્ટિએ એક
હોવા છતાં એમનામાં વર્ગીય વિભાજન નજરે ચડે છે. પરન્તુ ગટરો વચ્ચે જીવતા માનવો માટે
‘વર્ણ' અને ‘વર્ગ' વચ્ચે કોઈ જ ભેદ નથી.
જ્ઞાતિ વ્યવસ્થા અને આર્થિક-વ્યવસ્થા બંનેમાં એ દલિત છે, પીડિત છે, શોષિત છે."
(કાળો સૂરજ ૧-૭-૮૪)
જીવનને
સ્પર્શતી તમામ બાબતોમાં - ષડરસ, સબરંગ તમામમાં રૂચિ ઘરાવતા, જીવનના તમામ રસના આશિક
એવા રાજુ સોલંકીનો પહેલો અને છેલ્લો શોખ, માત્ર અને માત્ર કવિતા છે.
કહેવાતા
સર્વણોએ દલિતોને અસ્પૃશ્યતાના નામે છેટા રાખ્યા પણ આ સવર્ણોએ તો શબ્દોનેય અભડાવ્યા
છે. એટલે જ રાજુ કહે છે:
'હલકી જાતિના લોકો, પછાત લોકો'
શબ્દોમાં કઈં જ નથી.
એ છે ધગધગતી સોયો
ડંખે છે જાણે સો સો વીંછણો સામટી
માણસોના મારવાના આથી વિશેષ હથિયાર એમની પાસે નથી.
(મશાલ
૧૯૮૭)
"જ્યાં
સુધી વાલ્મિકીના માથે મેલું છે ત્યાં સુધી મિનિસ્ટરોને એરકન્ડીશન્ડ ગાડીઓ અને
આફિસોમાં બેસવાનો અધિકાર નથી' એમ કહી જાતિ નિર્મૂલન સમિતિના કન્વીનર એવા રાજુ
સોલંકી ‘એ અધિકાર કેમ નથી' એનો ફોડ પાડે છે. ગાંધી શતાબ્દીની ઉજવણીમાંય ભંગી
કષ્ટમુક્તિ ન થઈ અને ગુજરાતમાં ડબ્બા જાજરૂ યથાવત્ રહ્યા તેની ગુજરાતમાં પ્રથમવાર
એવી સિલસિલાબંધ અને સનસનાટીભરી માહિતી મૂકીને રાજુએ વહીવટી તંત્રને ચોંકાવી દીંધુ
હતું. ભંગી કષ્ટમુક્તિના ચાર ઉદ્દેશો હતા. ૧. ઘરાકી પ્રથા નાબૂદ
કરવી, ૨. માથે મેલું ઉપાડવાનું બંધ કરાવવું, ૩. નવા ડબ્બા જાજરૂ બનતા અટકાવવા અને
૪. ચાલુ ડબ્બા જાજરૂને સજળ સંડાસમાં બદલવા. આ ઉદ્દશો સાકાર થયા નથી એની પીડા
ચળવળકાર રાજુને આજે શૂળની જેમ ભોંકાયા કરે છે.
ન માત્ર વાલ્મીકિ સમાજની બલ્કે
દલિતોની તમામ પેટાજાતિઓની ઉન્નતિની ચિંતા જાતિ નિર્મૂલન સમિતિના મંચ હેઠળ રાજુએ
સેવી છે. ચૂંટણીઓ ટાણે દલિતોની વોટ બેન્કને અંકે કરવા લટુડાપટુડા કરતા રાજકીય
પક્ષો સામે દલિત સમાજને ચેતવવા છેક ૧૯૮૯માં રાજુએ જાતિ નિર્મૂલન સંકલન સમિતિનો
મેનીફેસ્ટો બહાર પાડ્યો હતો. તેમાં લખ્યું છે:
"વર્તમાન ચૂંટણી
પ્રથા જાતિવાદની જનેતા છે અને પદદલિત સમાજના સંદર્ભમાં રાજકીય ભિખારીઓનું
પ્રસુતિગૃહ છે. બિલાડીના ટોપ જેવા પક્ષો અને અપક્ષોનું ચૂંટણીલક્ષી રાજકારણ દલિત
એકતાની ઘોર ખોદતું હોવાથી જાતિ નિર્મૂલન સંકલન સમિતિ ચૂંટણીનો સખત વિરોધ કરે છે. આ
મેનીફેસ્ટો એ અર્થમાં ‘રાજકીય' છે. દલિત એકતાને ચૂંટણીઓમાં વટાવી ખાવા ટાંપીને
બેઠેલા ફાંદાબાજોએ મેનીફાસ્ટો વાંચવાની તસ્દી લેતા નહીં."
આ મેનીફેસ્ટોના
મુદ્દાઓ પર એક નજર નાંખવા જેવી છે જેમ કે, સમિતિ વણકર જાતિ વિષેના પ્રચલિત 'નાનું
મહાજન'ના સામંતી વલણનો ઇનકાર કરે છે .... ગરો, તૂરી જાતિઓને ‘માંગણ' ગણવાના
વણકર-રોહિતોના ગુરૂતાગ્રંથી પોષક સામંતી વલણનો વિરોધ કરે છે .... સમિતિ વાલ્મીકિ
જાતિ તરફના તમામ જાતિઓના અપમાનજનક વહેવારનો... દલિતોના પેટા જાતિવાર સ્મશાનનોનો .......
(તેમજ) ગાય-બળદ-કૂતરાં તાણી જવાની વાલ્મીકિના માથે નંખાયેલી જવાબદારીનો વિરોધ કરે
છે ....વાલ્મીકિને સફાઇકામ જેવા હલકા કામમાંથી મુક્ત કરવા સમિતિ અનુરોધ કરે
છે...... સમિતિ રોહિત ઇતર જાતિઓમાં વણકર અંગે તેમજ વાલ્મીકિ સહિત ઇતર જાતિઓમાં
વણકર-રોહિત અંગે ફેલાયેલી બેબૂનિયાદ કટૂતાનો અંત લાવવા અનુરોધ કરે છે .....
દલિત સમસ્યાને
જડમૂળથી જાણનારી વ્યક્તિ જ આવા સૂચનો કરી શકે છે. આ સૂચનો પછીય રાજુ એમ કહેવાનું
ચૂકતા નથી કે ‘આ મેનીફેસ્ટો અંતિમ નથી, માત્ર શરૂઆત છે.'
જાતિ નિર્મૂલન
સંકલન સમિતિ હેઠળ રાજુએ દલિતોત્થાન માટેના કોઈ અભ્યાસુને જ માલૂમ પડે તેવા પાયાના
અને વિચારોત્તેજક સૂચનો-કાર્યક્રમો કર્યા. એમાંય ‘સાર્થ ગુજરાતી જોડાણી કોશ'માં
બહુજન સમાજ માટે અપાયેલા અર્થો સાથે ઝૂંબેશ ચલાવીને તેને કોશમાંથી દૂર કરાવીને તો
રાજુએ ઐતિહાસિક દલિત કર્મ કર્યુ છે.
સાર્થ કોશમાં
વાઘરી એટલે ‘મેલો, ગંદો, અસભ્ય, નીચ', કુંભાર માટે ‘અણઘડ અને મૂર્ખ', બારૈયા માટે
‘બહાર રખડતો, ચોરી અને લૂંટ કરનાર', હજામ માટે ‘નકામો માણસ' અને ઢેડ માટે ‘એંઠવાડ
લૂંટી ખાનારી હલકી પ્રજા' એવા અર્થો અપાયા હતા-છપાયા હતા.
આ કોશના આરંભે
ગાંધીજીનું બહુ ચર્ચિત સૂત્ર હતું: "હવે પછી કોઈને સ્વેચ્છાએ
જોડણી કરવાનો અધિકાર નથી" તેની સામે "હવે પછી કોઈને સ્વેચ્છાએ
મનફાવતા અર્થો કરીને પછાત જાતિઓની લાગણી દૂભવવાનો અધિકાર નથી." એવા પ્રતિ-સૂત્ર સાથે જાતિ
નિર્મૂલન સમિતિએ ઝૂંબેશ ચલાવી હતી. આ ઘટનાની નોંધ લેતા સ્વ.વાસુદેવ મહેતાએ ‘સંદેશ'ની ‘અલ્પવિરામ' કોલમમાં લખ્યું હતું, "શ્રી સોલંકી એવું માને છે
કે સવર્ણો બંધ બારણે ઠરાવો કરીને આવા અર્થો નક્કી કરે છે!" સમિતિના પ્રયાસોને કારણે
સાર્થ કોશની નવી આવત્તિમાંથી ચૂપચાપ એ વિકૃત પૂર્વગ્રહયુક્ત અર્થો દૂર
કરવામાં આવ્યા છે.
ગોધરાકાંડ પછીની
કોમી આગમાં અમદાવાદના સો દલિતો હોમાયા. આમ તો આ સિલસિલો ગુજરાતમાં છેક ૧૯૮૧-૮૫
અનામત વિરોધી રમખાણોથી શરૂ થયો હતો. ૧૯૮૧માં સોળ જેટલા સ્થળો-દલિત વસ્તીઓ ભસ્મીભૂત
કરાઈ, આઠ દલિતોની હત્યા થઈ, પોલીસ ગોળીબારમાં છ દલિતો મૃત્યુ પામ્યા અને ૧૧
ગામોમાં સવર્ણોએ દલિતોનો સામૂહિક બહિષ્કાર કર્યો હતો. તેમ છતાં અમદાવાદ-ગુજરાતમાં
માત્ર સવર્ણો પર જ પોલીસ દમન થયું હોવાની એકતરફી, પૂર્વગ્રહયુક્ત રજૂઆત એ વખતે
‘સિટીઝન્સ ફોર ડેમોક્રેશી' સંસ્થાએ નીમેલા તપાસપંચના અહેવાલમાં થઈ. આની સામે રાજુ
સોલંકી અને મિત્રોએ દલિત સાહિત્ય સંઘના ઉપક્રમે સમાંતર અહેવાલ (૧૯૮૩) પ્રગટ કરીને
અગ્રણીઓના જાતિવાદ ચરિત્રને ખુલ્લું પાડ્યું હતું.
દલિત સાહિત્ય
સંઘના સમાંતર અહેવાલનું અંગ્રેજીમાં ભાષાંતર કરીને રાજુએ ‘સીટીઝન ફોર
ડેમોક્રેશી'ના અગ્રણી જસ્ટીસ વી.એમ.તારકુન્ડેને નવી દિલ્હી ખાતે મોકલ્યું હતું અને
વળતા જવાબમાં તારકુન્ડેએ રાજુને પત્રમાં જણાવ્યું હતું કે ‘.... ગુજરાતના અનામત
વિરોધી આંદોલન ટાણે અખબારોએ એકતરફી, પૂર્વગ્રહયુક્ત અહેવાલ આપ્યા હતા..... તેની
અસરમાં આવીને ‘સીટીઝન ફોર ડેમોક્રેશી' એવો અહેવાલ આપ્યો એ ખરેખર દુ:ખદ છે .....'
દલિત કવિ કે લેખક
નિજાનંદ માટે કે કોઈના મનોરંજન માટે લખતો નથી. તે તો કલમ દ્વારા દલિત જાગૃતિનો
યુગધર્મ બજાવે છે. આ જ કારણે તેણે એક હાથમાં કલમ અને બીજા હાથમાં દલિત ક્રાંતિનો
ઝંડો ઉઠાવીને ચળવળમાં પણ સક્રિય થવું પડે છે કે નેતાગીરી પણ લેવી પડે છે. આજે એ
વાત દિવા જેવી સ્પષ્ટ જોઈ શકાય છે કે મહારાષ્ટ્ર હોય કે ગુજરાત, જે દલિત કવિ-સર્જક
ચાર દિવાલોમાંથી બહાર નીકળીને દલિત ચળવળમાં સક્રિય થયો છે તે પોંખાયો તો છે જ,
સાથે સાથે તેના સર્જકકર્મમાં પણ અન્યોથી બળવાન પૂરવાર થયો છે. રાજુ સોલંકી એનું
ઉદાહરણ છે.
૨૮મી મે ૧૯૮૫માં
અમદાવાદમાં સ્થપાયેલ જાતિ નિર્મૂલન સમિતિએ કોઇ સેલ્ફ પ્રોજેક્ટેડ અને મીડિયા
પ્લાનીંગથી પ્રસિદ્ધ પામેલી એનજીઓ કરતાં ઘણું પાયાનું-ગ્રાસ રૂટ લેવલનું કામ દલિતો
માટે કર્યુ છે. ફરક માત્ર એટલો જ છે કે ત્યાં કરોડો રૂપિયાનું વિદેશી ફંડ છે, અહીં
માત્ર ને માત્ર કમિટમેન્ટ છે. આ સંદર્ભમાં રાજુ જેને ‘જીવનનો મહામૂલો પ્રસંગ કહે
છે' તે નોંધવા જેવો છે. તે કહે છે: "પાટણમાં ૮૫ના અરસામાં
અમે દલિત સાહિત્ય અભિયાન ચલાવેલું, ત્યારે મોટીસરા, બગવાડા જેવા દલિત મહોલ્લાઓમાં ‘બામણવાદની
બારાખડી' શેરી નાટક ભજવ્યું હતું. ફાકાકશીના એ દિવસો હતા. ખિસ્સામાં એક પણ પૈસો
લીધા વિના બધે ઠેકાણે અમે જતાં હતાં. પાટણથી પાછા અમદાવાદ નીકળવાનું થયું એટલે
સ્થાનિક દલિત યુવાનો અમારા માટે એસ.ટી. બસનું ભાડું ઉઘરાવવા ચાલ્યા. અમે પણ તેમની
સાથે હતા એ સમયે મોટીસરામાં અંબર ચરખો ચલાવીને પેટિયું રળતા એક દલિત વૃદ્ધ માતા
ધીમા ડગલે મારી પાસે આવ્યા અને ગડી વળેલી, પસીનાથી સહેજ કાળી પડેલી બે રૂપિયાની
નોટ મારા હાથમાં મૂકી, ‘લો પરમાર સાહેબ', નાટકમાં હું દલિત યુવાન મનીષ પરમારનો
પાત્ર ભજવતો હતો એટલે એ નામે સંબોધતા એમણે જણાવ્યું હતું ‘... આ મારો ફાળો'.
અંગ્રેજી ભાષા પર
ખૂબ સારૂં પ્રભુત્વ ધરાવતા રાજુ સોલંકીએ બી.એસ.સી.ની ડીગ્રી મેળવી છે. '૮૪માં
ગાંધીનગરના સચિવાલયમાં આસિસ્ટન્ટ તરીકેની નોકરી માત્ર એક વર્ષ કરીને છોડી દીધી.
અમદાવાદમાં જન્મેલા રાજુએ પ્રાથમિક, માધ્યમિક અને કૉલેજ સુધીનો અભ્યાસ અમદાવાદમાં
જ મેળવ્યો છે. બી.એ.બી.ટી. (ઑનર્સ) પિતા હિંમતલાલ મૂળજીભાઈ સોલંકી, રામકૃષ્ણ સેવા
સમિતિ સંચાલિત ધી મોડેલ હાઇસ્કૂલના લોકપ્રિય શિક્ષક અને પ્રિન્સીપાલ હતા અને
મહાગુજરાત દલિત સંઘ, ગુજરાત પછાત વર્ગ સમાજ જેવી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા.
તેમના સમયે દલિત સમાજમાંથી ‘જસ્ટિસ ઑફ પીસ'ની પદવી મેળવનારા તેઓ તેમજ શ્રી ધનજી
ગલા બે જ હતા. દલિત સમાજની સેવાનો વારસો રાજુને પિતાથી મળ્યો છે.
માતામહ શેઠ
દૂધાભાઈ ત્રિકમભાઈ સોલંકી છેક ૧૯૩૦માં અમદાવાદમા રાયખડ વોર્ડના કોર્પોરેટર હતા.
તેઓ આપણા દલિત ઉધોગ સાહસિકોના આદ્યપુરૂષો પૈકીના એક હતા. અમદાવાદના જમાલપુર સ્થિત
જગદીશ મંદિરને તેમણે ઘંટી ટેકરા, બહેરામપુરા ખાતેની આખી ચાલી દાનમાં આપી દીધેલી. આ
દાદાનું ઘર ૧૯૪૬ના કોમી હુલ્લડમાં સળગાવાયું ત્યારે તેને બચાવવા જતાં વસંત-રજબ શહીદ
થયા હતાં. ‘એ ભડભડતી આગમાં મારી માં ભડથું થઈ ગઈ હોત, તો હું જન્મયો જ ના હોત,
સેક્યુકલર થવા માટે આનાથી મોટું કારણ મારી પાસે કોઈ જ નથી' એવું એ પ્રસંગ યાદ
કરતાં રાજુ કહે છે.
રાજુ કહે છે:
’૧૬-૧૭ વર્ષની વય સુધી રોમેન્ટિક કવિતાઓ ઘણી લખી પણ '૮૧ના અનામત વિરોધી રમખાણોએ
મને મૂળસોતો હચમચાવી દીધો હતો,' ત્યારથી રાજુએ દલિત સાહિત્ય-ચળવળને ખોળે માથું
મૂક્યું છે. કટાક્ષમય શૈલીમાં લખાયેલી ‘બોલો બાબાસાહેબની જય' હોય કે પછી ‘માફ કરજે
દોસ્ત, રઘલા' કે ‘માનવભક્ષી નગર' હોય, રાજુએ હંમેશા દલિતોના સ્વમાનની વાત કરી છે.
રાજુ એવા કડવા અનુભવોમાંથી પસાર થયા છે કે એમની દરેક કવિતા કે અહેવાલ એક ભડભડતી
જ્વાળાની જેમ આપણી સામે આવે છે. શબ્દોની ધારદાર અભિવ્યક્તિ દ્વારા ધાર્યા નિશાન સર
કરવાનું સામર્થ્ય રાજુ ધરાવે છે.
‘કાળો સૂરજ', ‘સમાજમિત્ર',
‘દિશા', ‘નિરીક્ષક', 'ઇન્ડિયન લિટરેચર (દિલ્હી)', ‘સાક્ષાત્કાર (ભોપાલ)', ‘સંવાદ'
(અગરતલા)' જેવા સામયિકો-દૈનિકોમાં; ‘સીલ્વર લાઈનીંગ' જેવી અંગ્રેજીમાં અનુદિત એન્થોલોજીઝમાં;
દૂરદર્શન, આકાશવાણી કવિસંમેલનો સહિતના રાષ્ટ્રીય કવિ સંમેલનોમાં, મુંબઈ-ડીસા સહિત
અનેક કાવ્યગોષ્ઠીઓમાં તેમજ તાજેતરમાં શુભા મુદગલ સાથેના ‘અનહદ'ના કાર્યક્રમમાં
રાજુ કાયમ છવાયેલ રહ્યા છે.
સાહિલ પરમાર,
દલપત ચૌહાણ, નીરવ પટેલ, શંકર પેન્ટર જેવા દલિત કવિેઓ જેમને સર્વાધિક પ્રિય છે એવા રાજુને
ચિંતકોમાં આંબેડકર, માર્કસ, હિન્દુ-ઉર્દૂ શાયરોમાં ધૂમિલ અને મન્ટો, ઇતિહાસકારોમાં
રોમીલા થાપર, ઇરફાન હબીબ, સમાજશાસ્ત્રીઓમાં ગેઈલ ઓમવેટ, અક્ષયકુમાર દેસાઈ, ગુજરાતી
સર્જકોમાં પન્નાલાલ, લા.ઠા. હૈયે વસ્યા છે.
"દલિત સાહિત્યકારો
પોતાના શબ્દોને વફાદાર નથી', તેવો આક્રોશ વ્યક્ત કરી રાજુ કહે છે, ‘નવમાં
દાયકામાં, વીસ વર્ષ પહેલાં વિપુલ અને માતબર દલિત સાહિત્ય લખાયું. એવું આજે દેખાતું
નથી. ત્યારે પુષ્કળ લોકો પુષ્કળ પ્રમાણમાં લખતા હતા. આજે થોડા લોકો બહુ થોડું લખે
છે. દલિતો કોચલામાં ભરાઈ ગયા છે, આત્મરતિમાં રાચે છે અને સાચું કહું તો ડરપોક થઈ
ગયા છે. જ્યાંથી નવી લડાઈ શરૂ કરવાની છે, ક્રાંતિનો પ્રાણવાયુ મેળવવાનો છે તેવો
દલિત સમાજ સાથે મધ્યમવર્ગીય દલિતોનો સંપર્ક સાવ જ તૂટી ગયો છે. બહુ નિરાશાજનક
સ્થિતિ છે. જે દલિતોનો તતું સમાજ સાથે નથી, એ ખરેખર જતું સમાન છે."
"રાત્રે તકીયા
નીચે બીસીએસઆર (હવે જીસીએસઆર)ની પોથી મૂકીને પછી દલિત-સાહિત્ય માટે ગમે એટલા
ઉજાગરા કરો એનો કોઈ અર્થ નથી. તમારૂં નામ મોટું થશે. દલિતો ત્યાંના ત્યાં રહેશે.'
એમ જણાવતા રાજુ "દલિત કવિતા ક્યાં સુધી લખાતી રહેશે?" એવા પ્રશ્નના
જવાબમાં કહે છે, "જ્યાં સુધી ખાંજરૂ ચલાવતી એક સવર્ણ સ્ત્રી
સમાજમાં સ્વીકૃતિ પામતી રહેશે અને ઝાડુ વાળતી દલિત સ્ત્રી હડધૂત થતી રહેશે, ત્યાં
સુધી દલિત કવિતા લખાતી રહેશે."
"દલિત
લેખકો-કવિઓમાં પોલીટીકલ વિઝન અને વિશાળ વાંચન બે વાનાં જરૂરી છે. માત્ર પરગણાની વાતો
લખવાથી દલિત સાહિત્ય ના રચાય" તેવું અવલોકન
રજૂ કરી રાજુ કહે છે "મહેસાણાનો પટેલ
હવે ‘માનવીની ભવાઈ'નો કાળુ નથી રહ્યો, શામ પિત્રોડા અને મિક પટેલ બન્યો છે. એનઆરજી
થયો છે, સરકારો ઉથલાવતો અને રચતો થયો છે. તેનું એક્સપોઝર દલિત કવિતા-સાહિત્યમાં
થવું જોઈએ."
ગુજરાતમાં દલિત
ચળવળના ચઢાવ ઉતારનો ઉલ્લેખ કરતાં રાજુ કહે છે, ‘૧૯૮૧ પછીના નિર્ણાયક સમયમાં,
કેટલાક કારણોસર દલિત પેંથર તૂટી પડ્યું, ત્યારબાદ માસ મુવેમેન્ટ, દલિત અધિકાર મંચ
જેવી સંસ્થાઓની સંકલન સમિતિએ દલિત કવિતા, શેરીનાટકો દ્વારા જનજાગૃતિ અને પ્રતિકારની
જ્યોત સળગતી રાખી હતી. '૮૦થી '૯૦ના ભયાનક સામાજિક ઉથલપાથલના ગાળામાં દલિત
એમ્પાવરમેન્ટનો એજન્ડા હાઇલાઇટ થયો કે તૂર્ત જ '૯૦ પછી દલિત-સમસ્યાને encash કરવા NGOs મેદાનમાં આવી ગઈ. NGOsના કેરીયરીસ્ટ વલણને ખુલ્લું પાડતા વર્લ્ડ
બેન્કના દળદાર અહેવાલની રાજુએ જીકર કરી છે, જેમાં નોંધ્યું છે કે, ‘એનજીઓ પણ
સમાંતર સરકાર બની ગઈ છે ... દલિતોના ઉત્કર્ષ માટે સમુદાય આધારિત સંગઠનો (community based organization) ઇચ્છનીય છે.
સરકારે કે એનજીઓએ માત્ર સપોર્ટીવ ભૂમિકા ભજવવી જોઇએ."
"કોઇપણ દલિતે
પોતાની જાતને ઓળખવી-સમજવી હોય તો તેણે ડૉ. બાબાસાહેબ આંબેડકરને વાંચવા જોઇએ," એવું દૃઢપણે
માનતા રાજુ કહે છે કે "બાબાસાહેબનું નામ
એ કોઈ કોરું સૂત્ર નથી, આ નામમાં ઘણો દમ છે. હકીકતમાં, પોલીટીકલ પાવર મેળવવાની એ
ગુરૂચાવી છે, જે બહુજન સમાજ પક્ષે સાબિત કર્યુ છે. આથી, કોઈપણ પક્ષને આજે
ડૉ.બાબાસાહેબ વિના ચાલતું નથી. બાબાસાહેબની વિચારાધારા આધારિત દલિત સંગઠન કોઈપણ
જંગ જીતી શકશે. એનજીઓના ફંડ વિના દલિતોએ સાંબરડાની સફળ લડત ચલાવી હતી, એ આપણે કેમ
ભૂલી જઇએ છીએ?"
૪૨ વર્ષની ઉંમરે
ઉભેલા રાજુએ દલિત લેખન અને દલિત ચળવળ દ્વારા માતબર અને સાચી દિશાનું કામ કર્યુ છે.
દલિત અત્યાચારના અનુભવો આપણાનાં ઘણાને હશે, પરન્તુ રાજુની આવા અત્યાચારો પ્રતિની
અભિવ્યક્તિ એ અત્યાચારની શૂળો કેટલી ભાલાળી છે તેની આપણને પ્રતીતિ કરાવે છે.
અને છેલ્લે, "દલિત સમાજ વચ્ચે જીવવું
કઠિન છે, દલિત સમાજને ચાહવો એ તો એથી વિશેષ કઠિન છે અને દલિતો માટે લેખન કે ચળવળ
દ્વારા એક્ટીવેટ-કાર્યાન્વિત થવું એ તો કપરામાં કપરૂં કામ છે. અને આ ત્રણેય કામ
ડૉ.બાબાસાહેબે કર્યો હતા," તેનો ઉલ્લેખ
કરીને રાજુએ એમની કારકીર્દીનો એક વિશિષ્ટ પ્રસંગ વર્ણવ્યો હતો જે અહીં લખી દીધી
પછી, ન હું વધુ લખી શકીશ ને ન તમે વધુ કંઈ વાંચી શકશો.
"વાત છે ભલાબારા
પંથકની. ગોલાણામાં વણકરોની દરબારોએ હત્યા કરી હતી, તેમાં વાલ્મીકિભાઈઓ નિમિત્ત
બન્યા હતા. ત્યાં દલિત-એકતાની જરૂરિયાત સૌને મહેસૂસ થઈ. એ સંદર્ભમાં બિહેવિયરલ
સાયન્સ સેન્ટરના સહયોગથી દસ દિવસની જાતિ નિર્મૂલન જાત્રા અમે કાઢી. એના અગાઉના
વર્ષે જ મહેસાણામાં ૪૦ ગામોમાં જાતિ નિર્મૂલન મિત્રો ફર્યા હતા. એનો પ્રતિભાવ સારો
હતો. એટલે અમારો ઉત્સાહ બેવડાયો હતો. ભાલબારાના ગામોમાં રોજ રાત્રે વાલ્મીકિવાસમાં
વણકર-વાલ્મીકિ સહુ સમૂહ ભોજન લેતાં, જાતિ નિર્મૂલનના બાળ-કલાકારો શેરી નાટકો કરતાં
અને દલિત એકતાનો સંદેશ અપાતો. એક જગ્યાએ સાંભળવા મળ્યું કે એક ગામમાં વાળુ માગવા
ગયેલા વાલ્મીકિ બિરાદર પાસે દાળ લેવા કોઈ સાધન નહીં, તે એમણે સંડાસ માટેના ડબલામાં
દાળ લીધી. બીજા દિવસે પ્રવચનમાં મેં એ ઘટનાનો ઉલ્લેખ કર્યો. સૌએ શાંતિથી વાત
સાંભળી. પ્રવચન પછી એક વાલ્મીકિ યુવાને મને કહ્યું, ‘રાજુભાઈ આ વાત સાચી છે, પણ
તમે પ્રવચનમાં કહેશે તો અમારા સમાજને ખોટું લાગશે.' ત્યાર પછી તો એ વાત કહેવાનું
મેં માંડી વાળ્યું. પણ મને ભારે પીડા સાથે પ્રતીતિ થઈ હતી કે દલિતોના આત્મસન્માનની
લડાઈ કેવી કપરી અને સંકુલ છે.'
(‘સમાજમિત્ર'
ઓક્ટોબર-૨૦૦૩માં પ્રકાશિત અને નટુભાઈ પરમારના પુસ્તક ‘યથાતથ‘માં સંગ્રહસ્થ મુલાકાત)
'ગુરુ ગોવિંદ દોનો ખડા, મેં કિસકો લાગુ પાય
જવાબ આપોકાઢી નાખોબલિહારી ગુરુ આપકી, જિન્હેં ગોવિંદ દિયો બતાય .'
રાજુને ન જાણતા હોય એવા સૌ વાચકે તો આ સાખી પ્રમાણે પહેલા પ્રણામ ભાઈ નટુભાઈને જ કરવા ઘટે, જેમણે રાજુ નામના એક હોનહાર અને સંપૂર્ણ પ્રતિબદ્ધ દલિત પત્રકાર, કવિ, સામાજિક કર્મશીલનો આવો વિલક્ષણ પરિચય સૌ પ્રથમ 'સમાજ મિત્ર ' સામયિકમાં અને હવે આ 'યથાતથ' પુસ્તક દ્વારા કરાવ્યો ! પણ હું રાજુને જાણું છું અને નટુભાઈને પણ, એટલે બેઉને એક સાથે, પણ બેઉ હાથે સલામ.
૪૨ વર્ષની ઉંમરે ઉભેલા રાજુભાઈએ દલિતો પર થતા અત્યાચારો પ્રતિની અભિવ્યક્તિ એ અત્યાચારની શૂળો કેટલી ભાલાળી છે તેની આપણને પ્રતીતિ કરાવવા માટે સલામ... જય ભીમ....
જવાબ આપોકાઢી નાખોRajubhai solanki saheb vishe , emna jivan kavan vishe vistrut ma janvani ghana samay thi ichchha hati.
જવાબ આપોકાઢી નાખોJe ahiya puri thai.
Jay Bheem