રવિવાર, 18 માર્ચ, 2012

મોદી અને સમાજિક સમરસતા





કિશોર મકવાણા જન્મે દલિત છે. સંઘ પરિવારે ગુજરાતમાં હિન્દુત્વની વિચારધારા ફેલાવવા માટે થોડા સમય માટે મકવાણાને 'સાધના' મેગેઝીનના તંત્રી બનાવ્યા હતા. શ્રી. મકવાણાએ 'સામાજિક સમરસતા' પુસ્તક બહાર પાડ્યું અને તેના લોકાર્પણમાં નરેન્દ્ર મોદીને બોલાવ્યા. મોદી લોકાર્પણમાં દલિતો વિષે કશુંક બોલ્યા (જે એમણે એક રાજકારણી તરીકે બોલવું જોઇએ), એ જે કંઇ બોલ્યા તેના વિષે કોંગ્રેસીઓએ કાગારોળ કરી (જે એક વિપક્ષ તરીકે તેમણે કરવી જોઇએ), પરંતુ મારે મોદી કે કોંગ્રેસીઓની લવારી જોડે કોઈ જ નિસબત નથી. મકવાણા આ લવારીઓ વિષે શું કહેવા માગે છે તેના તરફ સૌનું ધ્યાન દોરવા માગુ છું.

મોદીની વેબસાઇટ http://www.narendramodi.in/gu/ ના બ્લોગ પર શ્રીમાન મોદીએ મકવાણાનો પત્ર 'એ લેટર ફુલ ઑફ એગોની'  (એક પીડાસભર પત્ર) શીર્ષક હેઠળ છાપ્યો એ આપણે વાંચીએ.

મોદી લખે છે, 

"પાછલા દિવસોમાં, ભાષણો અને લેખો ઉપર આધારીત પુસ્તક સામાજિક સમરસતાનું લોકાર્પણ થયું. પુસ્તકના દલિત લેખક અને મારા પરમ મિત્ર કિશોર મકવાણાનો અત્યંત પીડાસભર પત્ર આજે મળ્યો.. એક દલિતની પીડાને આ બ્લોગના માધ્યમ દ્વારા તમારા સુધી પહોચાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું.

શ્રી કિશોર મકવાણાનો અક્ષ્રરશઃ પત્ર

સાદર પ્રણામ…,

આપને એક હકીકતથી વાકેફ કરવા આ પત્ર લખી રહ્યો છું.

હું દલિત સમાજમાં જનમ્યો છું, દલિત-પીડિત-વંચિત પરિવાર- સમુદાયોની સમાજમાં સદીઓથી કેવી દુઃખદાયક સ્થિતિ છે તેના પ્રત્યક્ષ અનુભવોથી મારી જીંદગી ભરેલી છે.

આથી જ, પીડિત-વંચિત માનવીના દુઃખ દર્દને કોઇ પોતાની સંવેદનાનો સ્પર્શ કરે ત્યારે, તેના પ્રત્યે આત્મીયતા આપોઆપ જન્મે છે.

મારું સદભાગ્ય છે કે સંઘર્ષોની વચ્ચે અને એને અતિક્રમીને, મને વિચાર-લેખનના વ્યવસાયનો અવસર મળ્યો.

છેલ્લા અઢી દાયકાથી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના વિચાર અને વ્યવહારને ખૂબ ઝીણવટથી જોતો આવ્યો છું. અંતઃકરણમાં પવિત્રભાવથી એ પીડિતજનોની સેવામાં લાગેલા છે. એમના જીવનકાર્યનું કેન્દ્રબિંદુ હંમેશા સમાજનો છેવાડાનો માનવી છે. શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના દલિત બાંધવો આર્થિક રીતે પગભર થાય, શોષણથી મુકત થાય, સમગ્ર ગુજરાત સમરસ-એકરસ બને તે માટે પૂરા મનોયોગથી એક અર્થમાં ડો.બાબાસાહેબ આંબેડકરના સ્વપ્નને જ મૂર્તિમંત કરી રહ્યા છે. એમના વિચાર અને વ્યવહારમાં અંશ માત્રનો ભેદ મને ન દેખાયો ત્યારે લાગ્યું કે એમના સમાજ પ્રત્યેના  કર્તવ્યભાવ અને મમભાવને વ્યકત કરતા લેખો અને પ્રવચનો લોકો આગળ મૂકવા જોઇએ, આ વિચારમાંથી જ સામાજિક સમરસતાપુસ્તકનું  સર્જન થયું. આ મારું પ્રથમ પુસ્તક નથી, અગાઊ બિરસા મુંડા, સંત રવિદાસ, સમર નહીં સમરસતા, રાષ્ટ્રભકત ડો.બાબાસાહેબ આંબેડકર, સ્વામી વિવેકાનંદ વગેરે વિષય પરના મારા ૧૩ પુસ્તકો પ્રસિદ્ધ થઇ ચૂકયા છે.

મારા માટે ગૌરવનો વિષય હતો કે સામાજિક સમરસતાનામનું મારું ૧૪મું પુસ્તક લોકો વચ્ચે આવી રહ્યું હતું. ૨૬ એપ્રિલ, ૨૦૧૦ના દિવસે સાંજે ૬-૩૦ વાગે યોજાયેલા આ સમારોહમાં ગુજરાતના ક્રાંતિકારી સંત પૂ. સ્વામી સચ્ચિદાનંદ, મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી અને જાણીતા કવિ-લેખક શ્રી સુરેશ દલાલ ઊપસ્થિત રહ્યા. મારા માટે આ આનંદનો અવસર હતો.

સંપૂર્ણ લોકાર્પણ સમારોહ અત્યંત ગરિમામય રહ્યો.  મારા પત્રકાર મિત્રોએ ઊમળકાથી અખબારો, પ્રેસ મીડિયામાં બીજા દિવસે, આ પુસ્તક વિમોચનના સમાચારને ખૂબ સારી રીતે પ્રસિદ્ધિ આપી. મારા જેવા દલિત લેખક-સર્જક માટે જીવનની આ ચિરસ્મરણીય એવી સૌથી યશદાયી ઘટના હતી. પરંતુ એક દલિતના આ આનંદના અવસરને કોંગ્રેસે કલંકિત કરવાનો, એને વિકૃતિના રંગે રંગવાનો હિન પ્રયાસ કર્યો. શ્રી નરેન્દ્ર મોદીએ એમના સમગ્ર પ્રવચનમાં કયાંય-કોઇ પણ સ્વરૂપે દલિત સમાજ માટે કોઇપણ પ્રકારની હલકી વાત કરી નથી. મોદી જે બોલ્યા જ નથી તેવી વાત તેમના મોંઢામાં મૂકી કાગ્રેસે વિકૃત અને મનઘડંત ઊપજાવી કાઢેલા નિવેદનો કર્યા.   કોંગ્રેસી આગેવાનોએ સામાજિક સમરસતાના ભાવપૂર્ણ પ્રસંગને સરાસર જુઠ્ઠાણાં દ્વારા કલંકિત કરવાનો પ્રયાસ કર્યો.

પવિત્ર ભાવથી દલિત સમાજની ઊન્નતિ માટે કર્તવ્યરત શ્રી નરેન્દ્ર મોદી અંગે કોંગ્રેસના વિકૃત અને જુઠ્ઠા નિવેદનથી કેવળ મને જ નહી પણ સમગ્ર દલિત સમાજને આઘાત લાગ્યો છે. શ્રી નરેન્દ્ર મોદીના આખે-આખા પ્રવચનની  વિડીયો-ડીવીડી અને વેબસાઇટ ઊપર ટ્રાન્સક્રિપ્ટ આજે પણ ઊપલબ્ધ છે. મારા દલિત બાંધવોને નમ્ર વિનંતી છે કે  તે જોઇ જવી જોઇએજેથી આપ સત્ય જાણી શકો.

હિન્દુસ્તાનના અગ્રીમ હરોળના અંગ્રેજી દૈનિક હિન્દુમાં પ્રબુદ્ધ તંત્રીશ્રી એન.રામનો અહેવાલ અહીં ટાંકુ છું.

એમણે કોંગ્રેસીઓની ઢોંગી દલિત ભકિત અને  વિકૃતિનો પર્દાફાશ કર્યો છે.

હિન્દુએ લખ્યું છે કે સામાજિક સમરસતા પુસ્તક વિમોચન પ્રસંગે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના પ્રવચનમાં હળાહળ જુઠ્ઠાણાં ઊમેરીને કોંગ્રેસ પોતાની આબરુ જ હણી રહી છે. શ્રી મોદીએ દલિતોની વિરુદ્ધ આખા પ્રવચનમાં એક પણ શબ્દ ઊચ્ચાર્યો નથી કે નથી મીડીયા રીપોર્ટરના પ્રસિદ્ધ થયેલા અહેવાલોમાં આવી કોઇ વાત તદન વજૂદ વગર શ્રી નરેન્દ્ર મોદી સામે આવા ઇરાદાપૂર્વકના આવા જૂઠ્ઠાણાં ફેલાવવાથી કાગ્રેસ દલિતોની હામી થઇ શકવાની નથી. કાગ્રેસ તો દેશ માટે ભયજનક વોટ બેન્ક પોલીટીકસને જ વરેલી છે અને એણે કયારેય દલિતોના હિતોની પરવા કરી જ નથી. માત્ર અને માત્ર દલિતોનો અને સમાજના વંચિત વર્ગનો ઊપયોગ કરીને સત્તામાં ચીટકી રહેવું છે, ચૂંટણી સમયે ખાસ કરીને પોતાના સત્તા સ્વાર્થી હેતુ માટે દલિતોને સાધન બનાવી દીધા છે.

જોકે, જે કોંગ્રેસે ડો.બાબાસાહેબ આંબેડકરને જીવનભર અપમાનિત કર્યા, દલિતોને કાયમ મૂરખ બનાવી એમનો વોટબેન્ક તરીકે જ ઊપયોગ કર્યો છે. એની પાસે બીજી કોઇ અપેક્ષા ના રાખી શકાય. ડો.બાબાસાહેબ જ્ઞાતિવીહીન-એકરસ સમાજ ઇચ્છતા હતા. પરંતુ કોંગ્રેસ એના સ્થાપના કાળથી જ જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે વેરઝેરનું વાવેતર કરતી આવી છે.

ડો.બાબાસાહેબ આંબેડકરે લખેલ કોંગ્રેસે અસ્પૃશ્યો માટે શું કર્યુંગ્રંથ વાંચવા જેવો છે. આ ગ્રંથમાં અનેક  હકીકતો અને ઘટનાઓ વર્ણવી કોંગ્રેસના દલિત વિરોધી અસલી ચહેરાને ડો.બાબાસાહેબે  ઊઘાડો પાડ્યો છે. અમદાવાદ જિલ્લાના કાવિઠા ગામમાં અસ્પૃશ્ય બાળકોના શાળા પ્રવેશ બાબતે ગામ લોકોએ અસ્પૃશ્યોનો બહિષ્કાર કરેલો. એ વખતે સ્વયં બાબાસાહેબે કાવિઠા ગામ આવી દરમિયાનગીરી કરી હતી. પરંતુ કોંગ્રેસે ગામલોકોને સમજાવવાના બદલે અસ્પૃશ્યોને જ ગામ છોડી જવાની સલાહ આપી હતી. ડો.બાબાસાહેબ મુંબઇથી અમદાવાદ આવ્યા ત્યારે કાલુપુર રેલ્વે સ્ટેશને કોંગ્રેસી કાર્યકરોએ કાળા વાવટા ફરકાવી તેમને અપમાનિત કર્યા હતા.

ડગલે ને પગલે ડો.બાબાસાહેબ પર માનસિક અત્યાચાર કરનાર અને દલિતોનો વોટ બેન્ક તરીકે ઊપયોગ કરનાર કોંગ્રેસ જેવી રાજકીય પાર્ટી અમારા દલિત, વંચિત, શોષિત, પીડિત સમાજની પીડા નિવારવી તો દૂર રહી પણ આ પરાઇ પીડાના જાણતલ એવા શ્રી નરેન્દ્રભાઇ મોદી જેવા સમરસ સમાજના શ્રેયકર ચાતક સામે સરાસર જૂઠ્ઠાણાં દલિતોના નામે ફેલાવે ત્યારે કોંગ્રેસની આ નીતિ-રીતિ સામે દલિતોનો આક્રોશ સ્વાભાવિક પ્રગટે જ.

અહીં એક વાત તરફ પણ આપનું ધ્યાન દોરવા માંગુ છું, છેલ્લા આઠ વર્ષથી ગુજરાત અને શ્રી નરેન્દ્ર મોદીને બદનામ કરવાની એક પણ તક ગુજરાત વિરોધીઓ ચૂકતા નથી. આવા સમયે દેશ, ગુજરાત અને સમાજમાં વિખવાદ કરનારા તત્વોને ઓળખી લેવા જોઇએ.

પોતાનો સ્વાર્થ સાધવા કોંગ્રેસ કઇ હદે જઇ શકે છે એ જણાવવા જ મારી વાત આપની સમક્ષ પત્ર દ્વારા પહોંચાડી રહ્યો છું. મારી આ લાગણીમાં આપ સહભાગી બનશો જ એવી અપેક્ષા છે.
આભાર સહ

આપનો,
કિશોર મકવાણા
સામાજિક સમરસતા પુસ્તક


મકવાણા લખે છે, "શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના દલિત બાંધવો આર્થિક રીતે પગભર થાય, શોષણથી મુકત થાય, સમગ્ર ગુજરાત સમરસ-એકરસ બને તે માટે પૂરા મનોયોગથી એક અર્થમાં ડો.બાબાસાહેબ આંબેડકરના સ્વપ્નને જ મૂર્તિમંત કરી રહ્યા છે." શું આ સાચુ છે? મકવાણા અહીં બાબાસાહેબના પુસ્તક કોંગ્રેસે અસ્પૃશ્યો માટે શું કર્યું તેનો ઉલ્લેખ કરે છે. ખરેખર આ પુસ્તકનું નામ છે, 'કોંગ્રેસ અને ગાંધીએ અછૂતો માટે શું કર્યું?' (what congress and Gandhi have done to the untouchables?). મકવાણાને પુસ્તકના નામની જ ખબર નથી અથવા તો જાણીબૂઝીને પુસ્તકનું ખોટું નામ લખે છે. માઇન્ડ વેલ, અહીં બાબાસાહેબ 'ગાંધીજી' શબ્દ વાપરતા નથી, 'ગાંધી' શબ્દ વાપરે છે. આ પુસ્તકના 'પામર શરણાગતિ' પ્રકરણમાં મંદિરો અને કુવાઓ ખુલ્લા મુકવાના કોંગ્રેસના કાર્યક્રમની ટીકા કરતા બાબાસાહેબ લખે છે, "કોંગ્રેસની આ ચળવળની એક ખરાબ અસર એ પડી કે તેણે રાજકીય માનસ ધરાવતા હિન્દુઓનું કપટી જૂથ ઉભુ કર્યું કે જે કોંગ્રેસને ઉપયોગી નીવડે તેવું કોઈપણ જૂઠાણું બોલવામાં જરીકે ખચકાટ અનુભવતું નહોતું." આજે પણ આ ટીકા કેટલી સાચી છે! આજે ભાજપને ઉપયોગી નીવડે તેવું કોઈપણ જુઠાણું બોલવામાં જરીકે ખચકાટ નહીં અનુભવતા હિન્દુઓ (અને દલિતો)નું ટોળું મેદાનમાં ઉભુ છે.

મકવાણા અમદાવાદ જિલ્લાના કાવીઠા ગામનો ઉલ્લેખ કરે છે અને લખે છે કે કોંગ્રેસે અસ્પૃશ્યોને ગામ છોડી જવાની સલાહ આપી હતી. શું મકવાણાને ખબર છે બાબાસાહેબે કયા પુસ્તકમાં આ ઘટના નોંધી હતી? ખરેખર તો આ ઘટના બાબાસાહેબના અપ્રગટ લખાણોમાં નોંધાઈ હતી, જે છેક 1989માં મહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર: લખાણો અને ભાષણોના ખંડ પાંચમાં 'અસ્પૃશ્યતા અને કાયદાવિહીનતા' નામના પ્રકરણમાં આલેખાઈ છે. બાબાસાહેબ લખે છે,

"the strange part of the case is the part played by Mr. Gandhi and his henchman, Sardar Vallabhbhai Patel. With all the knowledge of tyranny and oppression practiced by the caste Hindus of Kavitha against the untouchables all that Mr. Gandhi felt like doing was to advise the untouchables to leave the village. He did not even suggest that the miscreants should be hauled up before a court of law. His henchman Mr. Vallabhbhai Patel, played a part which was still more strange. He had gone to kavitha to persuade the caste Hindus not molest the untouchables. But they did not even give him hearing. Yet this very man was opposed to the untouchables hauling them up in a court of law and getting them punished. The untouchables filed the complaint notwithstanding his opposition. But he ultimately forced them to withdraw the complaint on the caste Hindus making some kind of show of an understanding not to molest, an undertaking which the Untouchables can never enforce. The result was that the Untouchables suffered and their tyrants escaped with the aid of Mr. Gandhi’s friend, Mr. Vallabhbhai Patel."

બાબાસાહેબ અહીં સ્પષ્ટપણે લખે છે કે કાવીઠાના દલિતો સવર્ણો સામે કેસ ના કરે તેના તમામ પ્રયાસો મિસ્ટર ગાંધીના 'હેન્ચમેન' વલ્લભભાઈ પટેલે કર્યા હતા. બાબાસાહેબ વલ્લભભાઈ પટેલ માટે 'હેન્ચમેન' શબ્દ વાપરે છે, શબ્દકોશ પ્રમાણે હેન્ચમેનના ત્રણ અર્થો છે: 1. વિશ્વાસુ અનુયાયી, 2. મોટેભાગે સ્વાર્થી હિતો ખાતર કોઈ રાજકીય વ્યક્તિને સમર્થન આપતી વ્યક્તિ અને 3. એક ક્રિમિનલ ગેંગનો સભ્ય. મકવાણાએ પોતાની જાતને માત્ર એક જ સવાલ પૂછવાનો છે કે તેમના જેવા દલિતો આજે ભાજપમાં છે એ શું ખરેખર નરેન્દ્ર મોદીના 'હેન્ચમેન' છે? બાબાસાહેબે ત્યારે કહેલું કે કોંગ્રેસ સવર્ણોની રાજકીય અટક છે. (congress is political surname of caste Hindus). આજે ભાજપ સવર્ણોની રાજકીય અટક છે, એવું કહીએ તો લગીરે ખોટું નથી. "ડગલે ને પગલે ડો.બાબાસાહેબ પર માનસિક અત્યાચાર કરનાર અને દલિતોનો વોટ બેન્ક તરીકે ઊપયોગ કરનાર કોંગ્રેસ જેવી રાજકીય પાર્ટી"ના સરતાજ મહાત્મા ગાંધી અને સરદાર પટેલ હતા, જેમના નામો વટાવવા મિ. મોદીએ મહાત્મા મંદિર બનાવ્યું અને સ્ટેચ્યુ ઑફ લીબર્ટીથી ઊંચી પ્રતિમા બનાવવા થનગની રહ્યા છે. 

ખરેખર તો, કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો ગાંધી અને સરદારની વિચારધારા છોડવા માગતા નથી. આ વિચારધારા છે હરીજન સેવક સંઘની વિચારધારા, જેમાં ટ્રસ્ટીઓ, વહીવટદારો સવર્ણો જ હોય. દલિતો તો માત્ર પ્રેક્ષકો, લાભાર્થીઓ અને અનુયાયીઓ જ હોય. આ વિચારધારા પ્રમાણે દલિતો ક્યારેય શાસક બને નહીં. મકવાણાએ એ સમજી લેવું જોઇએ કે આ દેશના દલિતોને હવે તેમની નાહકની ચિંતા કરનારા નરેન્દ્ર મોદીઓ કે રાહુલ ગાંધીઓની જરૂર નથી. દલિતો આ દેશના શાસક બનશે, સંઘ પરિવારના કે હરીજન સેવક સંઘના પ્યાદા બનશે નહીં. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો