રવિવાર, 8 જુલાઈ, 2012

થોરાળા પોલીસ સ્ટેશનમાં પોલીસોના સ્વાંગમાં ગુંડાઓ


તાજેતરમાં રાજકોટ શહેરના થોરાળામા્ં દલિતો પર દમન ગુજારનારા થોરાળા પોલીસ સ્ટેશનના એક પોલીસ વિષે 31 જુલાઈ 2010માં સચ્ચાઈનો રણકો નામના રાજકોટના બ્લોગ પર આવેલા સમાચાર અહીં લીધા છે. આવા પોલીસો માટે જ કદાચ જસ્ટીસ ભગવતીસાહેબે કહેલું કે આ દેશના પોલીસ સ્ટેશનો ગુંડાઓના અડ્ડા સમાન છે. પ્રસ્તુત છે 2010નો અહેવાલ:

ગુજરાત પોલીસની આબરૂ ઉપર વધુ એક કલંક સમાન ઘટના રાજકોટમાં બની છે. થોરાળા પોલીસ મથકના કોન્સ્ટેબલ ભરતસિંહ સોલંકીએ અગાઉ દારુનો ધંધો કરતી લોહાણા મહિલાના ઘરમાં ઘુસીને તેણીના કપડાં ફાડી બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. તેમજ માતાની મદદે આવેલા પુત્રને માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ભારે ચકચાર જાગી છે.

લાંછન રૂપ ઘટનાની વિગત મુજબ, લાખાજીરાજ ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતી આરતીબેન(નામ બદલાવ્યુ છે)એ ફરિયાદમાં જણાવ્યુ છે કે, તે રાતે સાડા દસ વાગે સંતાનો સાથે ઘરમાં હતી ત્યારે, થોરાળા પોલીસ મથકનો ડી સ્ટાફનો કોન્સ્ટેબલ ભરતસિંહ સોલંકી નશો કરેલી હાલતમાં બળજબરીથી ઘરમાં ઘુસી ગયો હતો. અને તેણી પાસે બિભત્સ માંગણી કરી નિર્લજ્જ હુમલો કર્યો હતો.પુત્ર હાર્દિક મદદે આવતા ભરતસિંહે તેને લાકડીથી માર મારી દૂર હડસેલી દીધો હતો.ત્યાર બાદ, ભરતસિંહે લાજ લૂંટવાના ઇરાદે તેણીનું બ્લાઉઝ ફાડી નાખી પછાડી દીધી હતી. જોકે , બૂમાબૂમ કરતા પોલીસમેન ખૂન કરી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો.

મોડી રાતે આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ભારે ચકચાર જાગી છે. ઉલ્લેનીય છેકે, બળાત્કારનો પ્રયાસ કરનાર ભરતસિંહ અગાઉ નામચીન સલીમ મિયાંણાના એન્કાઉન્ટરમાં હત્યાનો ગુનો દાખલ ગયો હતો. અને થોડાં સમય પહેલા જ નિર્દોષ છુટ્યો હતો.પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ, આરતીનો પતિ ગંભીર બિમારીના કારણે લાંબા સમયથી પથારીવશ છે. પતિની સારવાર અને સંતાનોના ગુજરાન માટે આરતીએ દેશી દારુ વેચવાનુ શરુ કર્યું હતું. તેની સામે કેસ પણ થયા છે. તેણી સ્વરુપવાન હોવાથી ચોક્કસ પોલીસ જવાનોની તેના ઉપર બુરી નજર હતી. અને તેને ફસાવવાના અનેક પ્રયાસ કર્યા હતા. પરંતુ, પતિની સારવાર માટે મજબુરીથી દારુ વેચતી આરતીએ ક્યારેય પોતાના ચારિત્રય ઉપર ડાઘ લાગવા દીધો નથી.

(સચ્ચાઈનો રણકો બ્લોગમાંથી સાભાર)