બુધવાર, 21 ઑક્ટોબર, 2026

 ખાનગીકરણનો અજગર અને ગરીબોનુ શિક્ષણ




ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ, 1972ના પ્રકરણ-6માં 'રજિસ્ટર થયેલી ખાનગી માધ્યમિક શાળાઓમાં નોકરી સંબંધી જોગવાઈઓ' આપવામાં આવી છે. તેમાં કલમ 34-1 અનુસાર,
"રજિસ્ટર થયેલી કોઈ માધ્યમિક શાળાના શૈક્ષણિક સ્ટાફની જગ્યાઓમાંથી પંદર ટકા જેટલી જગ્યાઓ અનુસૂચિત જાતિઓ અને અનૃુસૂચિત જનજાતિઓમાંથી ભરવાની રહેશે."
કોંગ્રેસના રાજમાં કાયદો બન્યો પણ કોંગ્રેસે ક્યારેય તેનો અમલ કર્યો નહીં. 1997માં સત્તા પર આવેલા શંકરસિંહ વાઘેલાની રાજપા સરકારે તો આ કાયદાનો અમલ કરવાના બદલે તા. 19.7.95ના રોજ ઠરાવ ક્રમાંક બમશ-1197-174 બહાર પાડીને ઉપરોક્ત કલમ 34-1નો છેદ ઉડાડી દીધો. તેમણે ખાનગી માધ્યમિક શાળાઓને પંદર ટકા એસસી-એસટી શિક્ષકોની જગ્યાઓ ભરવામાંથી મુક્તિ આપી દીધી. એટલું જ નહીં, મનફાવે તેટલી ફી લેવાની, ફાવે તેટલો પગાર આપવાની અને ઇચ્છા પ્રમાણે વર્ગો વધારવાની અે ઘટાડવાની મંજૂરી આપી દીધી.
આમ, વાઘેલા સરકારે આ જીઆરથી ગુજરાતમાં શિક્ષણના ખાનગીકરણના દરવાજા ખોલી દીધાં. આ જીઆરની સામે કાઉન્સિલ ફોર સોશીયલ જસ્ટિસના સેક્રેટરી વાલજીભાઈ પટેલ અને લોક અધિકાર સંઘના વિદ્વાન ધારાશાસ્ત્રી ગીરીશભાઈ પટેલ ગુજરાત હાઇકોર્ટમાં ગયા અને ઠરાવના અમલ સામે મનાઈહૂકમ લઈ આવ્યા.
પછી, આવી ભાજપની સરકાર. જે ભાજપે રાજપાના આ ઠરાવની સામે વિરોધ કાર્યક્રમો કરેલા એ જ ભાજપ સરકારે આ જ ઠરાવ નવા નામે્ તા. 28-8-98ના રોજ ઠરાવ ક્રમાંક ઉમશ-ઇએમઆર-63ગ-1થી બહાર પાડીને ખાનગી શાળાઓને એસસી-એસટી શિક્ષકોની પંદર ટકા જગ્યા ભરવામાંથી મુક્તિ આપી દીધી. એટલું જ નહીં, બેટી બચાવોના નારા લગાવતા લોકોએ મફત કન્યા કેળવણીની જોગવાઈ પણ ખતમ કરીને કન્યાઓ પાસેથી મનફાવે તેટલી ફી લેવાની સવલત કરી આપી.
ફરી પાછા કાઉન્સિલના વાલજીભાઈ પટેલ ભાજપના ઠરાવ સામે લાલ દરવાજા ધરણા પર ઉતર્યા, જેમાં ગુજરાતભરના કર્મશીલો જોડાયા. ફરી પાછા તેઓ ગુજરાત હાઇકોર્ટમાં સરકારના ઠરાવ સામે ગયા. ત્યારે ચીફ જસ્ટિસ એસ. બાલકૃષ્ણન અને એમ. એસ. શાહની ન્યાયપીઠે ઠરાવ પર મનાઇહૂકમ ફરમાવ્યો.
આજે શું સ્થિતિ છે તે જુઓ. ખાનગીકરણનો અજગર સમગ્ર શિક્ષણ ક્ષેત્રને ગળી ગયો પછી હવે ગુજરાત સરકાર ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી અમેન્ડમેન્ટ બિલ, 2026 લાવી છે. તેમાં અનામત પ્રથાના કડક અમલની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ, સવાલ એ છે કે ગુજરાતમાં કોઈ એક ખાનગી શાળા પણ સમ ખાવા પૂરતી છે ખરી કે જેમાં એસસી-એસટીની પંદર ટકા અનામત જગ્યા પર શિક્ષકો લેવામાં આવ્યા હોય?
ઇતિહાસ શંકરસિંહ વાઘેલાને માથે મેલુ ઉપાડવાની પ્રથા નાબૂદ કરવાનો કાયદો લાવનારા મુખ્યમંત્રી તરીકે નહીં, પરંતુ ગુજરાતમાં શિક્ષણના ખાનગીકરણની શરુઆત કરનારા મુખ્યમંત્રી તરીકે યાદ રાખશે. શિક્ષણના ખાનગીકરણે માથે મેલુ ઉપાડનારા લોકોના સામાજિક-આર્થિક ઉત્થાનની ધોરી નસ કાપી નાંખી છે. હવે કોણ મેલુ ઉપાડશે એની ચર્ચા નિરર્થક છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો