અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રાજસ્થાન હોસ્પિટલ
પાસે એક ડોક્ટર પરમારનું ક્લિનિક છે. તે પરમાર અટકની પાછળ કૌંસમાં રાજ્પૂત લખાવે
છે. એને બિચારાને ડર છે કે માત્ર પરમાર અટક લખીશ તો એવી ગેરસમજ થશે કે હું
અનામતીયો ડોકટર છું અને મારા સવર્ણ દર્દીઓ મારી પાસે નહીં આવે. એની દહેશત સાચી પણ
છે. જ્યાં સવર્ણ ગ્રાહકો છે એવા બજારમાં ડોક્ટર પણ સવર્ણ હોવો જોઇએ અથવા તો સવર્ણ
જેવો દેખાવો જોઇએ. આવા માહોલમાં કોઈ ડોક્ટર પોતાના નામની પાછળ 'વણકર' અટક લખાવે તો એ ચોક્કસ એક ઘટના છે.
હમણાં ગુજરાતમાં એક આંદોલન ચાલ્યું. એને આંદોલન
તો ના કહેવાય. જૂના, પુરાણા ખાળકૂવામાં પૂર્વગ્રહનું પાણી ઠાલવીને, રગડો બનાવીને પછી
તગારા ભરી ભરીને સડકો પર જાતિવાદની ગંદકી ઠાલવવાની નાલાયકીનું એને પ્રદર્શન કહેવું
જ યોગ્ય ગણાય. આ ગંદા કામમાં ગુજ્જુ મીડીયાકર્મીઓ ભારે નિષ્ણાત. પહેલા પ્રિન્ટ
મીડીયા હતું. હવે તેમાં ઇલેક્ટ્રોનિક મીડીયા પણ ભળ્યું. ત્યારે ટીવી પર લોકોના
ઇન્ટર્વ્યૂ આવતા ને કહેવાતું કે અનામતીયા ડોક્ટરો દર્દીના પેટમાં કાતર મૂકે એ કેમ
ચલાવી લેવાયॽ અહીં, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સમગ્ર ગુજરાતમાંથી દર્દીઓ આવે છે,
પોતાના પેટમાં કાતરો મૂકાવે છે ને પછી સાજા થઈ અનામતીયા ડોક્ટરોને આશીર્વાદ આપીને
ઘરે જાય છે.
આ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર વણકરને કામ કરતા જોયા
છે. દર્દીઓ સાથે, તેમના સગાવહાલાઓ સાથે અપાર ધીરજથી કલાકો સુધી વાતો કરે છે, તેમને
સમજાવે છે. દર્દી અને એમાં પણ માનસિક રોગના દર્દી. વારંવાર એકની એક વાત પૂછ્યા
કરે. ડોક્ટર વણકર શાંતિથી, પ્રેમથી એમની તમામ વાતોનો જવાબ આપે. પ્રાઇવેટ
કન્સલ્ટિંગ રૂમો ખોલીને બેઠેલા ડોક્ટર તો મિનિટના સો રૂપિયા ગણીને લઈ લે. આ દેશમાં
મફતમાં ઉત્તમ મનોચિકિત્સા થતી નથી એટલે લોકો ભૂવા, સાધુ-બાવાઓ પાસે જાય છે. સિવિલમાં
ગરીબોની મફતમાં સારવાર થાય અને એ પણ આ ક્ષેત્રના સૌથી શ્રેષ્ઠ તબીબો પૈકીના એક એવા
ડો. વણકર એમની સેવા કરે. મારે મન આ બીજી મોટી ઘટના છે.
લોકો ઘરોમાં પુસ્તકો માટે કબાટો બનાવડાવે છે. બહુ
પૈસાવાળા લોકો પોતે વિદ્વાન છે એવું બતાડવા એનસાઇક્લોપીડીયા ખરીદીને મૂકી રાખે છે.
ગણપતભાઈના ઘરે તમે જાવ તો તમને ખબર પડે કે આ ઘરમાં પુસ્તકો રહે છે અને આ માણસ એમની
વચ્ચે સંકોચાઈને જાણે પુસ્તકોની રજા લઇને રહે છે કે ભાઈઓ હું તમારી વચ્ચે રહું. ઘરમાં
ચારે તરફ પુસ્તકો જ પુસ્તકો હોય અને એની વચ્ચે એક સાદડી પાથરીને લેપટોપ લઇને બેસતા
વણકર સાહેબને જોવા એ ખરેખર એક લહાવો છે. દર રવિવારે ખભે થેલો ભરાવીને નિયમિતપણે
સાબરમતી નદીના કાંઠે ભરાતી ગુજરીમાં જવાનું અને દુનિયાભરના ઉત્તમ લેખકોના ગ્રંથો
ખરીદવાના. આવા મહાન પુસ્તકપ્રેમી આપણને સાંપડ્યા એ ત્રીજી ઘટના છે.
વણકર સાહેબના સન્માન સમારંભમાં દલિત કવિઓએ
નિર્દંભ બનીને કહ્યું કે ડો. વણકરે તેમની ટ્રીટમેન્ટ કરી અને તેમને સાજા કર્યા,
જૂનીપુરાણી ગ્રંથિઓમાંથી મુક્ત કર્યા. હું તો આને ટ્રીટમેન્ટ જ ગણતો નથી. વણકર
સાહેબ માત્ર એક વાક્ય બોલે છે અને તમે હળવા થઈ જાવ છો. આને તમે ટ્રીટમેન્ટ કહેવી
હોય તો કહી શકો. જીવન સંગ્રામમાં ઝઝૂમતા ને વહેરાતા, વેતરાતા ને છેતરાતા, બે
છેડેથી બળતી મીણબત્તી જેવા, મૃદુકાય કવિઓને સમસંવેદનશીલ, મરમી અને વિદ્વાન એવા એક
માયાળુ મનોચિકિત્સક સાવ જ અનાયાસે સાંપડી ગયા. હું આને દલિત આંદોલનનું એક સદભાગ્ય
જ ગણીશ. મારે મન આ ચોથી વિરલ ઘટના છે.
મુખ્ય ધારાના મોટાભાગના લબ્ધ-પ્રતિષ્ઠિત,
મૂર્ધન્ય લેખકોના દ્રષ્ટિકોણ ચાહે સીમિત હોય, બજાર એમનું વિશાળ હોય છે. બજાર એટલે
લખલૂટ રોયલ્ટીઝ, મૂસળધાર એવોર્ડ્ઝ, પચાસથી વધુ આવૃત્તિઓ, ધનવાન પ્રકાશકોનું પીઠબળ,
માધ્યમોનું હુંફાળું નેટવર્ક, પાઠ્યપુસ્તકોમાં નરસિંહ મહેતાથી માંડીને ભાગ્યેશ ઝા
સુધીના લેખકોની યાદીમાં સમાવેશ, જાત-બિરાદરીના વિવેચકોનાં વધામણાં, અને ઘણું બધું.
આ સવર્ણ બજારમાં દલિત કવિને એક નેનોમીટર પણ જગ્યા ના મળે. દલિત કવિ આખી જિંદગી
સ્વીકૃતિ માટે તરફડ્યા મારે. એને એનો સમાજ તો પ્રેમ કરે, પણ ક્યારેક એને એ પ્રેમ
સાવ લુખ્ખો લાગે. સાહિત્ય પરિષદમાં તો એને કોઈ ઘૂસવા જ ના દે. સવર્ણ સાહિત્યકારો
તો પરિષદમાં હોય તોય નામના મળે ને પરિષદનો વિરોધ કરે તોય મીડીયા કવરેજ મળે. કોઈ
રડ્યોખડ્યો દલિત સાહિત્યકાર ક્યારેક બ્યુરોક્રેટ હોવાને કારણે સવર્ણ પ્રકાશકો એના
પુસ્તકો છાપી નાંખે, પણ બધાના નસીબ આવા સારા ના હોય. આવા સમયે દલિત કવિને
પોંખનારો, એવોર્ડ આપનારો એકમાત્ર સ્રોત જો કોઈ હોય તો સરકારી સમાજ કલ્યાણ ખાતુ. દલિત
કવિ બે બદામના સરકારી એવોર્ડ સ્વીકારે તોય એને ગાળ પડે. આવા વેરાન, વિકટ સંજોગોમાં
દલિત કવિતા-સાહિત્યની જેણે મન મૂકીને, રાતોના ઉજાગરા કરીને, કોઈપણ જાતની
પક્ષાપક્ષી વિના સેવા કરી હોય તો એ છે આપણા વણકર સાહેબ. ગુજરાતમાં દલિત સમાજમાં
પ્રોફેસરો તો સેંકડો છે, લાખ-લાખના પગારો મેળવે છે, મોટા બુદ્ધિજીવી હોવાનો ડોળ
લઇને ફરે છે, ચાંપલુ ચાંપલુ બોલે છે, ભાઈબંધીમાં હવે તો વિવેચનો પણ કરે છે, પરંતુ,
ડો. વણકરની જેમ ગુજરાતી દલિત સાહિત્યને ઊંચકીને વૈશ્વિક કક્ષાએ મુકવાની જહેમત
ઉઠાવનારો તમને કોઈ જોવા નહીં મળે. એમણે દલિત કવિતાના કરેલા અંગ્રેજી અનુવાદો પરથી
તમિલ, તેલુગુ, બંગાળી, મલયાલી જેવી અનેક પ્રાદેશિક ભારતીય ભાષાઓમાં અનુવાદો થયા
છે. ઇન્ટરનેટ પર એમણે મૂકેલા દલિત સાહિત્યના બ્લોગના તાજેતરમાં પેઇજ વ્યૂઝ એક લાખ
થયા. સમગ્ર ગુજરાતના દલિત કવિઓ આ માટે વણકર સાહેબના અહેસાનમંદ છે. મારે મન આ
પાંચમી વિરલ ઘટના છે.
અત્યાર સુધી દલિતોએ ખોટા માણસો માટે ગૌરવ લીધું.
ધારાસભાઓ, સંસદોમાં જનારા ને સમાજનું નખ્ખોદ કાઢનારા ફાલતુ લોકોને સલામો ઠોકી.
અમલદારી કરીને કરોડો રૂપિયાના એંઠવાડામાં આળોટતા મગતરાઓને સાહેબ સાહેબ કહીને
જીભોનો કૂચો વળી ગયો. આજે ડો. ગણપત વણકરનું સન્માન કરીને આપણે સમાજને એક સંદેશ
આપ્યો. સન્માનને પાત્ર મહાપુરુષોનું સન્માન કરો. તમે કોનું ગૌરવ લો છો, એનાથી
નક્કી થશે કે દુનિયાના દર્પણમાં તમે કેવા દેખાશો.
GANESH VANKAR NE MARA SALAM..
જવાબ આપોકાઢી નાખોખુબ જ સરસ
જવાબ આપોકાઢી નાખો