સોમવાર, 26 નવેમ્બર, 2012

બેવડો શોક – કવિ અને કોમરેડના નિધન


બિરાદર વસંતલાલ ચૌહાણ અને કવિ મૌન બલોલી બંનેના અવસાનના સમાચાર અત્યારે હાલ ચંદુભાઈ મહેરીયાએ આપ્યા. એક કોમરેડ અને એક કવિ. 1981 પછી અનામતના રમખાણોથી દાઝેલી મારી દલિત દુનિયામાં આ બંને વ્યક્તિઓ પ્રવેશેલી. આજે બંનેને એકસાથે સ્મરવાનું થશે તેનો સ્વપ્નમાંય ખ્યાલ નહોતો.

રાજપુરમાં વસંતદાદાને પહેલીવાર મળવાનું થયું ત્યારે મારી સાથે સંભવત: અશ્વિન દેસાઈ, ટીકેશ મકવાણા અને સાહિલ પરમાર હતા. એકવડો બાંધો, ચહેરા પર મંદ હાસ્ય અને ચશ્મામાંથી ચમકતી આંખો. સીપીએમમાં વર્ષોથી કામ કરેલું પણ પક્ષની ટીકા કરવામાં પાછા ના પડે એવા વસંતલાલ ચૌહાણ. પાર્ટી ક્રાન્તિના પથમાંથી ભટકી ગઈ છે એની હૈયાવરાળ કાઢતા કોમરેડ વસંતલાલ પાસે દાયકાઓનો અનુભવ. કહેતા હતા કે યુનિયનો રૂપિયા-આના-પાઈમાં અટવાઈ ગયા છે. કલકત્તામાં પાર્ટીએ ચાર માળની મસમોટી ઇમારત બનાવી દીધી છે. હવે પાર્ટી ક્રાન્તિ કરે તો માર્ક્સ ખોટો પડે, એ એમનું વાક્ય આજે પણ મને યાદ છે. દલિતોમાં કોમરેડ નામની જણસ દિવસે દિવસે દુર્લભ થતી જાય છે ત્યારે બિરાદર વસંતલાલની યાદ આપણને ચોક્કસ સાલશે.  

મૌન બલોલીને પણ એ જ સમયમાં મળવાનું થયેલું. ત્યારે મનીષી જાની અને ગણપત પરમારે દલિત કવિતાનું સંપાદન કરેલું. લાલ દરવાજાની રોજિંદી બેઠકમાં મૌન અવારનવાર આવતા અને તેમની ગઝલો સંભળાવતા. એમની ગઝલોમાં એમનો આગવો મિજાજ ટપકતો. પ્રસ્થાપિત ગુજરાતી સાહિત્ય સામેનો એમનો રોષ એમને જંપીને બેસવા દેતો નહોતો. અમારી સાથે વાદવિવાદ કરતા, ઝઘડતા, પરંતુ એમને અમારી સાથે કલાકો સુધી વાતો કરવી ગમતી હતી. પટેલોમાં પોતે નાતબહાર હતા એવું અવારનવાર કહેતા હતા. "ચેત ચંદુડીયા ચેત, અહીં તો ભૂવાને વળગ્યા પ્રેત," કહેતા મૌન બલોલીની ગુજરાતી સાહિત્યને અવશ્ય ખોટ પડશે.

1 ટિપ્પણી:

  1. દલિત આંદોલનને શબ્દ અને શક્તિ એમ બન્નેની ખોટ એક સાથે પડી. શ્રધ્ધાંજલિ.
    બિનીત મોદી (અમદાવાદ)

    જવાબ આપોકાઢી નાખો