બુધવાર, 25 ફેબ્રુઆરી, 2015

સ્વાઇન ફ્લુથી થયેલા મૃત્યુ સરકાર-પ્રેરિત છે


કહેવાય છે કે આપત્તિ આવે છે ત્યારે ભલભલાની શાન ઠેકાણે આવી જાય છે. જંગલમાં આગ લાગે ત્યારે હિંસક પ્રાણીઓ પણ એમનો સ્વભાવ છોડીને જાત બચાવવાનું વિચારે છે. પણ, કુદરતનો આ કાનૂન કદાચ ગુજરાત સરકારને લાગુ પડતો નથી. ગુજરાતમાં સ્વાઇન ફ્લુને કારણે સેંકડો મોત થયા પછી પણ એના કારણોની શોધ કરીને ઉપાય શોધવાનું કોણ જાણે સરકારને સૂઝતું જ નથી.

સ્વાઇન ફ્લુનું એપી સેન્ટર કચ્છ છે. દર વર્ષે કચ્છમાં સ્વાઇન ફ્લુનો પ્રારંભ થાય છે અને પછી સમગ્ર રાજ્યમાં ફેલાય છે. ગયા વર્ષે પણ કચ્છમાં સ્વાઇન ફ્લુ શરૂ થયો હતો અને પ્રજાના સદનસીબે તેનો ફેલાવો થયો નહોતો. આ વર્ષે પણ જાન્યુઆરીમાં આ રોગનો સૌ પ્રથમ કેસ કચ્છમાં નોંધાયો હતો અને આરોગ્ય વિભાગે એક ટીમને કચ્છમાં મોકલીને સંતોષ માન્યો હતો. પછી આ જીવલેણ રોગ હળવે હળવે રાજ્યભરમાં ફેલાયો હતો.

સ્વાઇન ફ્લુને ઉગતો ડામવા માટે કચ્છમાં આરોગ્ય સેવાઓ પૂરતા પ્રમાણમાં હોવી જોઇએ. ગુજરાત સરકારની સામાજિક-આર્થિક સમીક્ષામાં જોઇએ તો કચ્છ કરતા અડધી વસતી ધરાવતા ગાંધીનગર જિલ્લામાં કચ્છ કરતા વધારે આરોગ્ય સંસ્થાઓ (ડિસ્પેન્સરી, પ્રાથમિક-સામૂહિક આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલો, ખાનગી દવાખાના) છે. કેમકે, કચ્છમાં માણસો વસે છે અને ગાંધીનગરમાં દેવો વસે છે.

ગઇ કાલે જ બહાર પડેલા બજેટમાં જાણે સ્વાઇન ફ્લુની મોટી ઇમ્પેક્ટ પડી હોય એમ મીડીયાએ બજેટને વધાવી લીધું છે. હકીકતમાં ગુજરાતના મીડીયામાં પોપાભાઈઓ બેઠા છે, જેમને પ્રજાની પડી નથી અને સરકારની ખુશામત કરવાની તક છોડવી નથી. બજેટમાં હજુ પણ સરકાર અમદાવાદ, સૂરત, રાજકોટ, વડોદરા જેવા શહેરોના આરોગ્યની ચિંતા કરે છે એની તરફ મીડીયાએ પ્રજાનું ધ્યાન દોર્યું નથી.

સિવિલ હોસ્પિટલમાં ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી પાંડીયન આવ્યા અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રભાકરની ચેમ્બરમાં પ્રવેશ્યા ત્યારે પ્રભાકર બાજુની ચેમ્બરમાં મીડીયાને લાઇવ બાઇટ્સ આપી રહ્યા હતા. પાંડીયન જેવા પ્રભાકરની ખુરશીમાં બેઠા કે તૂર્ત જ બોલ્યા, “મને માસ્ક આપો.” વીઆઈપી લોકોને પોતાની જિંદગી મહામૂલી લાગે છે. સામાન્ય પ્રજા મરે ત્યારે એમના પેટનું પાણી હાલતું નથી. સ્વાઇન ફ્લુથી થયેલા મૃત્યુ સરકાર-પ્રેરિત છે. રણોત્સવો, પતંગોત્સવો, ગરબા ઉત્સવોમાં ગળાબૂડ શાસકોએ લોકોને પણ અફીણ પીવડાવ્યે રાખ્યું છે કે આપણે તો ઉત્સવપ્રિય છીએ. મોતના તાંડવ વચ્ચે હવે જાહેર તમાશા તો એમણે બંધ કર્યા છે, પરંતુ પ્રજાની નજરથી દૂર એમના વાઇબ્રન્ટ ખાનગી જીવનોમાં જલસા અને ઐયાસી બંધ થયા નથી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો