શનિવાર, 5 જાન્યુઆરી, 2013

બ્રાહ્મણનો દીકરો


સ્ટેશનરીની દુકાને વીસેક વર્ષનો યુવાન આવ્યો નવા વર્ષની ડાયરીઓ ખરીદવા. પાંચ-સાત ડાયરીઓ જોઈ. એમાંથી એક તેને પસંદ પડી.
"કેટલા?"
"એકસો એંસી રૂપિયા."
"આટલા બધા ના હોય, થોડા ઓછા કરો. દોઢસોમાં આપો. હું બ્રાહ્મણનો દીકરો છું."
દુકાનદાર માનતો નહોતો.
"સારું એકસો સાઇઠમાં આપો. આજે નવા વર્ષનો પહેલો દિવસ છે." યુવાને સસ્તામાં ડાયરી આપવાનું બીજું કારણ દુકાનદારને બઝાડ્યું.
હજુ દુકાનદાર માનતો નથી.
"હું તમારા દીકરા જેવો છું. હવે તો માનો."
"સારું. પણ, એકસો સાઇઠથી એક પૈસો ઓછો નહીં."
યુવાનના ચહેરા પર સ્મિત પથરાયું. એકસો સાઇઠ રૂપિયા દુકાનદારને ચૂકવી, મલકાતા મુખે ડાયરી થેલામાં મૂકી ને કશુંક યાદ આવ્યું.
"એક જરા બિલ બનાવી દોને, બસો રૂપિયાનું."

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો